જામનગર-

જામનગર જિલ્લાના કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં દારૂ સાથે કબ્જે કરાયેલી એક કારનો અંગત કામમાં ઉપયોગ કરવાના મામલે વિડીયો સોશીયલ મિડીયામાં વાયરલ થયાં પછી જામનગરના જિલ્લા પોલીસ વડા તાત્કાલિક અસરથી એકશનમાં આવી ગયાં હતાં અને વીડિયોની ખરાઇ કર્યા પછી તાત્કાલિક અસરથી કાલાવડ ગ્રામ્ય પી.એસ.આઇ તેમજ રાઈટર હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેતાં પોલીસબેડામાં હડકંપ મચી ગયો છે.

મળતી માહિતી મુજબ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ગત 6. 8.2020 ના દિવસે યુવરાજસિંહ ઉર્ફે ભીમો નાથુભા જાડેજા અને નિર્મળસિંહ ઉર્ફે ભોલો ગુલાબ સિંહ જાડેજાને જી જે-3 એલજી 8413 નંબર કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરવા અંગે પકડી પાડયાં હતાં અને 120 નંગ ઈંગ્લીશ દારૂની બાટલીના જથ્થા સાથે કાર કબજે કરીને કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં રાખવામાં આવી હતી. જે કારનો પીએસઆઇ દ્વારા અંગત ઉપયોગમાં લેવાના મામલાનો વિડિયો ફરતો થયો હતો. જે વીડીયા અંગેની રજૂઆત જામનગરના જિલ્લા પોલીસ વડા શ્ર્વેતા શ્રીમાળી સુધી પહોંચી હતી. તેમણે તાત્કાલિક અસરથી વિડિયોની ખરાઇ કરી હતી. 

જેમાં કાલાવડ ગ્રામ્ય પીએસઆઇ દ્વારા દારૂના કેસમાં કબ્જે કરાયેલી કારનો પોતાના પરિવાર માટે અંગત ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી પીએસઆઇ રાદડિયા તેમ જ તેમના રાઇટર પોલીસ હેડ કોન્સ્ટેબલ કાંતિભાઈ પુંજાભાઈ ને તાત્કાલિક અસરથી ફરજ મોકુફી હેઠળ મૂકવામાં આવ્યા હતા અને આ સમગ્ર મામલાની તપાસ જામનગર ગ્રામ્યના ડીવાયએસપીને સોંપવામાં આવી છે. જેથી ડીવાયએસપી દ્વારા વાયરલ થઇ રહેલા વીડીઓના ફૂટેજ મેળવી ને આગળની તપાસ શરૂ કરી દીધી છે. જે કાર્યવાહીને લઇને જામનગર જિલ્લાના પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.