વડોદરા : વડોદરા પોલીસની કાર્યવાહીથી નારાજ થઈ પૂર્વ કેન્દ્રિય મંત્રી અને એનિમલ એક્ટિવેસ્ટ પર્યાવરણવાદી મેનકા ગાંધીએ દરમિયાનગીરી કરવાની ફરજ પડી હોવાનું બહાર આવતાં શહેરશ પોલીસની બદનામી થઈ છે. શેરી કૂતરાઓને ખવડાવતા જીવદયાપ્રેમીને પોલીસ મથકે બોલાવી પુરી દેવાની ધમકી આપતાં આ મામલો મેનકા ગાંધી સુધી પહોંચ્યો હતો. એનિમલ એનજીઓના સભ્યોએ સમગ્ર હકીકતથી વાકેફ કર્યા બાદ સમસમી ઊઠેલા મેનકા ગાંધીએ કારેલીબાગ પીઆઈને ફોન કરી ઉધડો લેતાં આર.એ.જાડેજાની શાન ઠેકાણ આવી હતી અને ભૂલ સ્વીકારી જીવદયાપ્રેમીઓને જવા દીધા હતા. પરંતુ મેનકા ગાંધીએ આ બનાવ અંગે રાજ્યના ગૃહ વિભાગને પણ જાણ કરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

સામાન્યજનો ઉપર રોફ જમાવતા પોલીસ અધિકારીને મેનકા ગાંધીએ ફોન કરી ૧૦ મિનિટ સુધી ખખડાવતાં પીઆઈ આર.એ.જાડેજાના હાંજા ગગડી ગયા હતા. બાદમાં ખોટી જગ્યાએ ફસાઈ ગયા હોવાનો ખ્યાલ આવતાં પોલીસ મથકે બેસાડી રાખેલા શેરી કૂતરાઓને ખવડાવતા જીવદયાપ્રેમીઓને રવાના કર્યા હતા. કારેલીબાગ આમ્રપાલી કોમ્પલેક્સ પાસે આવેલ જ્યોતિ પાર્ક સોસાયટીમાં રહેતા પરિવારના ઘર પાસે શેરી કૂતરાએ બચ્ચાંને જન્મ આપતાં જીવદયાપ્રેમી પરિવારે બચ્ચાંને દૂધ પીવડાવાનું અને માતાને દરરોજ પોષણયુક્ત ખોરાક આપતા હતા. જેના કારણે બચ્ચાં ધીરે ધીરે મોટા થયા હતા અને સોસાયટીમાં જ રમવા માંડયા હતા. જેનાથી સોસાયટીના અન્ય રહીશે વાંધો ઉઠાવી શેરી કૂતરાઓને કેમ ખવડાવો છો? એવો વિરોધ કરતાં પરિવારે હિન્દુશાસ્ત્રમાં ખોરાક પહેલાં ગાય-કૂતરાને ખવડાવ્યા બાદ જ ભોજન લેવું જાેઈએ એવી વાત જણાવી જીવદયાપ્રેમી હોવાથી મારા ખર્ચે શેરી કૂતરાઓને ખવડાવું છું એમ શાંતિપૂર્વક જણાવ્યું હતું.તેમ છતાં જીવદયાના વિરોધી પરિવારે કારેલીબાગ પોલીસ મથકે પહોંચી સોસાયટીનો અન્ય પરિવાર શેરી કૂતરાઓને નિયમિત ભોજન કરાવતો હોવાથી કૂતરાનો ત્રાસ થશે અને કરડશે તો કોની જવાબદારી? એવો સવાલ ઊભા કરી પીઆઈને રજૂઆત કરી હતી. જેનાથી આર.એ.જાડેજાએ તાત્કાલિક જીવદયાપ્રેમીઓને પોલીસ મથકે બોલાવ્યા હતા. કારેલીબાગ પોલીસ મથકે પહોંચેલા શેરી કૂતરાઓને ખવડાવતા પરિવારને પીઆઈ જાડેજાને તમે કૂતરાઓને કેમ ખવડાવો છો? તમે ખવડાવતા હોય તો કૂતરા તમારા જ કહેવાય, કોઈને કરડશે તો હું તમારી સામે ગુનો નોંધી અંદર ફીટ કરાવી દઈશ તેમ જણાવતાં જીવદયાપ્રેમી સંસ્થાના સભ્યોનો સંપર્ક કર્યો હતો.

જીવદયાપ્રેમીઓએ પણ પોતે શહેરમાં પ૦ જેટલા સ્થળો ઉપર રોજ પ૦૦ જેટલા કૂતરાઓને ભોજન આપતા હોવાનું જણાવવા પી.આઈ. તાડૂકી ઊઠયા હતા અને લોકઅપમાં પુરી દેવાની ધમકી આપી પોલીસ મથકમાં બેસાડી દેતાં મામલો ઉગ્ર બન્યો હતો અને આ અંગેની જાણકારી દિલ્હી ખાતે મેનકા ગાંધીના કાર્યાલયને આપવામાં આવી હતી. જેના પગલે પૂર્વ કેન્દ્રિય મંત્રી અને એનિમલ એક્ટિવિસ્ટ મેનકા ગાંધીએ પોતે પીઆઈ જાડેજાને ફોન કભરી શેરી કૂતરાઓને ખવડાવવું એ કોઈ ગુનો નહીં બનતો હોવાનું જણાવી આવી ખોટી કાર્યવાહી કેમ કરો છો? એવો સવાલ કરતા પીઆઈ જાડેજાને સાચી પરિસ્થિતિનું ભાન થતાં ભૂલ સ્વીકારી શેરી કૂતરાઓને ખવડાવતા જીવદાયપ્રેમી પરિવારને ઘરે રવાના કર્યા હતા.

પોલીસ કમિશનરને પણ જાણકારી અપાઈ ન હતી

વડોદરા. શહેર પોલીસની ખોટી કાર્યવાહીની જાણકારી મેનકા ગાંધીના કાર્યાલયથી રાજ્યના ગૃહ વિભાગને પણ કરવામાં આવી છે અને મૂંગા પ્રાણીઓના રક્ષણ માટેના નિયમોનું પાલન રાજ્ય પોલીસ કરે એવી તાકીદ કરી હતી. જાે કે, શહેર પોલીસ કમિશનરને કારેલીબાગ પીઆઈએ મેનકા ગાંધીના ફોન અંગે કોઈ જ જાણકારી આપી નહીં હોવાથી આ સમગ્ર મામલાથી સમશેર સિંગ અજાણ હતા.

પીઆઈ જાડેજા હિન્દુવિરોધી છે? ઃ જીવદયાપ્રેમી સંસ્થા

વડોદરા. કારેલીબાગ પીઆઈ આર.એ.જાડેજા હિન્દુ ધર્મ વિરોધ છે કે શું? એવો સવાલ જીવદાયપ્રેમી સંસ્થાએ ઉઠાવ્યો છે. શાસ્ત્રો પુરાણોમાં લખેલું છે કે ભોજન કરતાં પહેલાં ગાય-કૂતરાને ખવડાવ્યા બાદ જ ભોજન આરોગવાના નિયમોનો ઉલ્લેખ છે. ત્યારે એવું ફરમાન કરનાર પીઆઈ જાડેજાની માનસિકતા હિન્દુ વિરોધી હોવાનું જીવદયાપ્રેમી સંસ્થાના સભ્યો માની રહ્યા છે.