વડોદરા, તા. ૧૩

શહેરના ઘીકાંટા રોડ પર આવેલી દુકાનમાં ગ્રાહક સાથે વાતચિતમાં મશગુલ દુકાનદારની નજર ચુકવીને દુકાનના દરવાજા પાસે ટેબલ પર મુકેલા દુકાનદારના પાકિટમાંથી રોકડા ૧૨ હજાર રૂપિયા કાઢીને ફરાર થયેલા તસ્કર સામે ફરિયાદ નોંધાવવા માટે દુકાનદાર કારેલીબાગ પોલીસ મથકમાં જતા જ પોલીસે દુકાનદારને મદદ કરવાના બદલે ‘ચોર માથાભારે છે..તમે ફરિયાદ કરશો તો ફસાઈ જશો’ તેમ જણાવી દુકાનદારને ગભરાવીને પરત મોકલાવી દેતા કારેલીબાગ પોલીસની કામગીરીએ પોલીસ ખરેખર પ્રજાનો મિત્ર છે કે પછી વૃધ્ધ પર હુમલો કરતા ભાજપાના યુવા મોરચાના પ્રમુખ અને પાકિટમાંથી નાણાં કાઢી લેતા તસ્કરોનો ? તેવો પણ પ્રશ્ન શહેરીજનો કરી રહ્યા છે.

ઘી કાંટા રોડ પર ભુમિ ઈલેકટ્રોનિક્સની દુકાન ધરાવતા જયેશભાઈ પંચાલ ગત ૬મી તારીખના બપોરે તેમની દુકાનમાં આવેલા ગ્રાહકો સાથે વાતચિત કરતા હતા તે સમયે નાગરવાડા વિસ્તારમાં રહેતો કાલુ નામનો રીઢો તસ્કર જે અગાઉ તડીપાર પણ કરાયો હતો તે જયેશભાઈને દુકાનના પ્રવેશદ્વારની સામે ગ્રાહકો સાથે વાતચિતમાં મશગુલ હોવાનું જાેતા જ તુરંત દુકાનમાં ઘુસ્યો હતો. તે પ્રવેશદ્વાર પાસે રાખેલા ટેબલની બાજુમાં ઉભો રહી પોતાના ખિસ્સામાંથી મોબાઈલ કાઢી તે ચેક કરવાનો ડોળ કરતો ઉભો રહ્યો હતો. આ દરમિયાન એક ગ્રાહક જયેશભાઈ અને તેના વચ્ચે આવી જતા આ તકનો લાભ લઈ તેણે ટેબલ પર મુકેલું જયેશભાઈના પાકિટ લીધું હતું અને તેમાંથી આશરે ૧૨ હજાર રૂપિયા કાઢી લઈ પાકિટ ફરી જયાં હતું ત્યાં ખસેડીને મુકી દીધું હતું અને તુરંત દુકાનમાંથી બહાર નીકળી ગયો હતો. જાેકે દુકાનદારની નજર ચુકવીને કાલુએ ગણતરીની સેકન્ડમાં કરેલી ચોરીની સમગ્ર ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બીજીતરફ જયેશભાઈને પાકિટમાંથી ભેદી સંજાેગોમાં પૈસા ગુમ થતા તેમણે સીસીટીવી ફુટેજની ચકાસણી કરી હતી જેમાં કાલુએ પર્સમાંથી નાણાં કાઢી લીધા હોવાનું સ્પષ્ટ નજરે ચઢતા તેમણે તુરંત કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ માટે અરજી કરી હતી અને ચોરીની ઘટનાના સીસીટીવી કેમેરાના ફુટેજ પણ પોલીસને આપ્યા હતા. જાેકે પોલીસ પાસે ચોરીના પુરાવા હોવા છતાં જયેશભાઈની ફરિયાદ દાખલ કરવા માટે કોઈ તજવીજ કરી નહોંતી. એવું પણ કહેવાય છે કે જયેશભાઈએ જયારે પોલીસને ફરિયાદ નોંધવા માટે વિનંતી કરી તો પોલીસે એવું જણાવ્યું હતું કે આ તસ્કર તો માથાભારે છે.. તમે ફરિયાદ કરશો તો ફસાઈ જશો.

જાેકે પોલીસનો આવો જવાબ સાંભળીને ચોંકી ઉઠેલા જયેશભાઈએ માધ્યમોમાં જાણ કરી હતી અને તેની પોલીસ અધિકારીઓ સુધી પણ માહિતી પહોંચી છે પરંતુ તેમ છતાં જયેશભાઈને હજુ સુધી ન્યાય મળ્યો નથી. કારેલીબાગ પોલીસે જે રીતે ફરિયાદ નોંધવાના બદલે ખુદ ફરિયાદીને ગભરાવીને પોલીસ ફરિયાદ નહી કરવાનું કહેતા હવે એ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે કારેલીબાગ પોલીસ ખરેખરમાં પ્રજાનો મિત્ર છે કે પછી વૃધ્ધ પર હુમલો કરતા ભાજપા અગ્રણીઓ અને પાકિટમાંથી નાણાં ચોરી કરતા તસ્કરોનો ?