દિલ્હીઃ-

ભારતીય જનતા પાર્ટીના નેતા અને તાજેતરમાં ચૂંટાયેલા રાજ્યસભાના સાંસદ અશોક ગસ્તિનું ગુરુવારે બેંગ્લોરમાં અવસાન થયું છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તાજેતરમાં જ મણિપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ 55 વર્ષનાં હતાં અને 18 વર્ષની ઉંમરે ભાજપના વિદ્યાર્થી સંગઠન એબીવીપીમાં જોડાઈ રાજકારણની શરૂઆત કરી હતી. તેમણે આ વર્ષે 22 જુલાઈએ રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા હતા. સાંસદ બન્યા પહેલા તેમણે કર્ણાટકના રાયચુર જિલ્લામાં ભાજપને મજબૂત કરવાની જવાબદારી નીભાવી હતી.

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ભાજપ નેતાના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું હતું અને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. સાંસદ ગસ્તિને 2 સપ્ટેમ્બરના રોજ બેંગ્લોરની મણીપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શ્વાસની ફરિયાદ પછી તેનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. અને કોવિડ -19 સંક્રમિત હોવાની પુષ્ટિ કરાઈ હતી. તબિયત સ્થિર ન હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. નાઈ સમુદાયમાંથી આવતા ગસ્તિ વ્યવસાયે વકીલ હતા. કર્ણાટક પછાત વર્ગના અધ્યક્ષ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સભ્ય અને કર્ણાટક ભાજપ યુવા મોરચાના વડા તરીકે પણ કામગીરી બજાવી હતી. વડાપ્રધાન મોદી, ગૃહ મંત્રી અમિત શાહ સહિતના ભાજપના ટોચને નેતાઓએ અશોક ગસ્તિના નિધનને લઈને ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી.