નડિયાદ, તા.૬

ખેડા જિલ્લાના બિલોદરામાં ઝેરી પીણું વેચવાના આરોપસર જેલ હવાલે ગયેલા બે  આરોપીના પિતાએ પણ આખરે સીરપ પીધા બાદ સારવાર દરમ્યાન મોતને ભેટ્યા છે.જે પિતાએ જીવન આપ્યું એ પિતાને પુત્રોએ મોત આપ્યું છે. જેલ હવાલે ગયેલા બંને પુત્રોને બોલાવી અંતિમ સંસ્કાર કરાવવામા આવ્યા છે.ખેડા જિલ્લામાં માનવ આરોગ્ય સાથે ચેડાં કરનાર અને ટૂંકાગાળામાં અમીર બનવાના સ્વપના સેવતા યોગેશ સિન્ધીના ઝેરી કારોબારમાં વેચાણમાં સંકળાયેલ બિલોદરાના બે સગાભાઈ કિશન અને ઈશ્વરના પિતા સાંકળભાઈનું સિવિલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. હાથ કર્યા હૈયે વાગ્યાં છે અને પિતાના મોત માટે જવાબદાર બન્યા છે.બિલોદરામાં સીરપનું વેચાણ કરનાર કિશનના પિતા સાંકળભાઈ સીરપ પીધું હતું અને એક અઠવાડિયાથી સારવાર હેઠળ હતાં જેમનું મોત નીપજ્યું છે.સીરપકાંડમાં જેલ હવાલે ગયેલા બંને ભાઈઓને પોલીસ જાપ્તામાં બિલોદરા લાવી અંતિમ સંસ્કાર કરાવ્યા હતાં.