વડોદરા, તા. ૨૦

ઉંડારેરોડ પરથી ગત સવારે બાઈક પર કોલસેન્ટરમાં નોકરીએ જઈ રહેલા દંપતીને તેઓના વતનમાં રહેતા માતા-પુત્ર સહિતની ટોળકીએ લેવડદેવડની તકરારમાં રસ્તામાં આંતર્યા બાદ પતિનું કારમાં અપહરણ કર્યું હતું. અપહરણકારો પતિને રાજકોટમાં લઈ જઈ તેની પાસે કોરા સ્ટેમ્પપેપર પર સહિઓ કરાવ્યા બાદ તેને ધમકી આપી રાજકોટમાં હાઈવે પર છોડી દેતા આજે અત્રે પરત ફરેલા અપહ્યુત પતિએ આ બનાવની જવાહરનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

મુળ ગીર-સોમનાથના ઉના તાલુકામાં વતની ૩૨ વર્ષીય દિનેશ ચુનીલાલ ટીલવાણી હાલમાં તેમના પત્ની નિકીતાબેન સાથે ઉંડેરામાં ઈસાનીયા ફ્લોરેન્જા એપાર્ટમેન્ટમાં રહે છે અને દંપતી શહેરના એક કોલ સેન્ટરમાં સાથે નોકરી કરે છે. ગઈ કાલે દંપતી બાઈક પર નોકરીએ જતું હતું તે સમયે તેઓને ઉનામાં રહેતા તેઓના સંબંધી શૈલેષ મગન રાજવાણી અને તેની માતા ચંપાબેન તેમજ સોહીલ હસન દિવેચા સહિત ચાર વ્યક્તિઓએ રસ્તામાં આંતર્યા હતા. તેઓએ વાતચિત કરવાના બહાને નિકીતાબેનને બાઈક પરથી ઉતાર્યા હતા અને સોહિલ તેમજ તેનો સાગરીતે બાઈક પર બેસીને જણાવ્યું હતું કે અમારે વાતચિત કરવી છે માટે અમે આગળ ચાની લારી પર જઈએ છે તમે પણ ત્યાં આવો.

દિનેશ બાઈક પર નજીક આવેલા ગાયત્રી પેટ્રોલપંપ પાસે પહોંચતા જ બાઈકની પાછળ બેઠેલા સોહિલ અને તેના સાગરીતે ત્યાં ઉભેલી અન્ય એક સાગરીતની સ્વીફ્ટ કારમાં તેને ધક્કો મારી બેસાડી તેનુ અપહરણ કર્યું હતું. સોહિલ સહિતની ત્રિપુટીએ ચાલુ કારમાં દિનેશને માર માર્યો હતો અને રસ્તામાં હોટલ પર શૈલેષ આવી જતા તે કારમાં બેઠો હતો. તેઓ દિનેશને રાજકોટમાં અજાણી ઓફિસમાં લઈ ગયા હતા અને તેની પાસેથી બે કોરા સ્ટેમ્પપેપર પર છ સહિઓ કરાવી હતી અને માર મારી ધમકી આપી હતી કે કોઈન પણ જાણ કરીશ કે પોલીસ ફરિયાદ કરીશ તો તારી પત્ની અને પુત્રીને જાનથી મારી નાખીશું. તેઓ રાજકોટ ચોકડી પાસે તેને છોડીને ફરાર થતાં દિનેશ એસટી બસમાં આજે અત્રે ઘરે પરત ફર્યો હતો અને આ બનાવની જવાહરનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે માતા-પુત્ર સહિત પાંચ સામે ગુનો નોંધી તપાસનો દોર ઉના તરફ લંબાવ્યો છે.