સંબંધોની હત્યા, દીકરાએ બાપની હત્યા કરી મોતને ઘાટ ઉર્તાયો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, એપ્રીલ 2021  |   2871

અમદાવાદ-

શહેરના મેઘાણીનગરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. આ કિસ્સામાં સંબંધોની જ હત્યા થતા પોલીસે તપાસ શરૂ કરી છે. એક વૃદ્ધ પિતાએ પુત્રને મજૂરીના રૂપિયા ઘરમાં કેમ નથી આપતો તેમ કહી ઠપકો આપ્યો હતો. જેની અદાવત રાખી અડધી રાત્રે પુત્રએ શર્ટની બાંયથી ટૂંપો આપી પિતાની હત્યા કરી નાખી હતી. પરિવારજનો રાત્રે સુઈ ગયા ત્યારે પુત્રએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. બાદમાં તેના પિતાનું મૃત્યુ થયું કે નહીં તે પણ તપાસ્યું અને પિતાના હાથ પગ ન હલતા પુત્ર કામ થઈ ગયું હોવાનું માની સુઈ ગયો હતો.

ઘટનાની જાણ થતા મૃતકના અન્ય પુત્રએ પોલીસને જાણ કરતા પોલીસે તપાસ કરી આરોપીને નજરકેદ કર્યો છે. મેઘાણીનગર પોલીસને કંટ્રોલ રૂમ તરફથી વર્ધિ મળી કે તેમના વિસ્તારમાં હત્યા થઈ છે, જેમાં ફોન કરનારના નાના ભાઈએ પિતાને ટૂંપો આપી મોત નિપજાવ્યું છે. જેથી એ.એસ.આઈ દિગ્વિજયસિંહ શાંતિ નગરના છાપરા પર પહોંચ્યા હતા. ત્યાં પહોંચતા અજય પટણી કે, જેણે પોલીસને ફોન કર્યો હતો તે મળી આવ્યો હતો.

પોલીસે તપાસ કરતા અજય તેના પિતા લક્ષ્‍મણ ભાઈ તથા માતા સાથે રહે છે. તેઓ આઠ ભાઈ બહેન છે.ગત 25મીએ રાત્રે અજયના પિતાએ તેના ભાઈ અનિલને કહ્યું કે, તું કેમ મજૂરીના પૈસા ઘરમાં આપતો નથી. બસ આ જ વાતને લઈને પિતા પુત્ર વચ્ચે બોલાચાલી થઈ હતી. જોકે થોડા સમય બાદ આ બોલાચાલી પુરી થઈ અને પરિવારજનો સુઈ ગયા હતા. એજ દિવસે રાત્રે એટલે કે 26મીએ રાત્રે અજયની માતા બીજા રૂમમાં સુતા તેના પિતાને અડધી રાત્રે પાણી આપવા ગયા હતાં. તેઓને પાણી આપવા જગાડતા તેઓ હાથ પગ હલાવતા ન હતા અને જાગ્યા ન હતા. જેથી તેની માતાએ બુમાબુમ કરતા અજય સહિતના લોકો જાગી ગયા અને પોલીસને જાણ કરાઈ હતી. પોલીસને હત્યાનો મેસેજ પણ અપાયો હતો. બાદમાં લાશનું પોસ્ટમોર્ટમ કરાવતા મૃતકનું મોત ગળે ટૂંપો આપવાથી થયું હોવાનુ સામે આવ્યું હતું.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution