મુંબઈ-

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની 13મી સિઝનમાં કોલકાતા નાઈટરાઈડર્સનો સ્ટાર સ્પિનર વરુણ ચક્રવર્તી લગ્નના બંધનમાં બંધાઈ ગયો હતો. ચેન્નાઈમાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેણે પોતાની ગર્લફ્રેન્ડ નેહા ખેડેકર સાથે લગ્ન કરી લીધા. તેમના લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. તેના લગ્ન આ વર્ષની શરૂઆતમાં થવાના હતા પણ કોરોનાને લીધે દેશભરમાં લોકડાઉન થતા લગ્ન કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો. મે-જૂન મહિનામાં વરુણ ચેન્નાઈમાં એ વિસ્તારમાં હતો કે જે કન્ટેઈનમેન્ટ ઝોન હેઠળ આવી ગયો હતો. જ્યારે નેહાએ લોકડાઉનનો સમય મુંબઈમાં પસાર કર્યો હતો. IPL 2020માં શ્રેષ્ઠ બોલીંગને લીધે ચક્રવર્તીનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે T-20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જોકે ઈજાગ્રસ્ત થયા બાદ તેને T-20 સિરીઝમાંથી બહાર થઈ ગયો હતો. ચક્રવર્તીના સ્થાને ટી નટરાજનનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. IPL સિરીઝમાં તેણે કુલ 13 મેચમાં 17 વિકેટો લીધી હતી, દિલ્હી કેપિટલ્સ સામે શ્રેષ્ઠ દેખાવ કરતા 20 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ ઈન્સ્ટાગ્રામ પર વરુણ ચક્રવર્તી અને નેહા ખેડેકરને અભિનંદન પાઠવ્યા હતા.