કોરોના અને પ્રદૂષણના હાહાકાર વચ્ચે અનેક બોલીવુડ સિતારાઓએ આ વખતે દિવાળી માલદીવ માં ઉજવી. સાઉથની સુપરસ્ટાર કાજલ અગ્રવાલ હાલ માલદીવમાં હનીમૂન ઉજવી રહી છે. તેણે પોતાના હનીમૂનની કેટલીક તસવીરો પણ મીડિયામાં શેર કરી છે. જે ખુબ વાયરલ થઈ રહી છે. રિપોર્ટ્સ મુજબ કાજલ ઉપરાંત ફરહાન અખ્તર પોતાની ગર્લફ્રેન્ડ શિબાની અને પુત્રી અકીરા, ટાઈગર શ્રોફ, દિશા પટણી પણ અહીંથી ફોટા શેર કરતા જોવા મળ્યા છે. 

માલદીવ દુનિયાનું સૌથી લોકપ્રિય હનીમૂન ડેસ્ટિનેશન છે. ચારેબાજુ સમુદ્રથી ઘેરાયેલો આ દેશ દુનિયાના લોકોને પોતાની તરફ ખેંચે છે. અહીં ફક્ત એક ટકા ભાગમાં જ જમીન છે. બાકીનો 99 ટકા ભાગ પાણી પાણી છે. પરંતુ અહીં એવી જગ્યાઓની જરાય કમી નથી કે જ્યાં તમે એકાંતમાં સમય માણી શકો. આથી સાત સમુદ્ર પાર બ્રિટનના લોકો પણ અહીં હનીમૂન પર આવવાનું પસંદ કરે છે. પરંતુ માલદીવ પર એક ચોંકાવનારો સર્વે થયો છે. 

બ્રિટનના લોકોના દિમાગ પર આ જગ્યા અંગે દીવાનગી જગજાહેર છે. તેઓ અહીં આવવા માટે આતુર રહેતા હોય છે પરંતુ હાલમાં જ બ્રિટનના કેટલાક લોકો પર એક સર્વે થયો જેની ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેથી કરીને હવે લોકોના મનમાં અનેક સવાલો ઊભા થયા છે. પોલ મુજબ માલદીવમાં હનીમૂન ઉજવનારા બ્રિટિશ લોકોમાં ડિવોર્સ (છૂટાછેડા)ની સંભાવના વધુ રહે છે. સર્વેના આંકડા મુજબ અહીં આવનારા 20 ટકા લોકોના કાં તો છૂટાછેડા થઈ જાય છે અથવા તો એકબીજાથી અલગ થઈ જાય છે. 3100 લોકો પર કરાયેલા આ સર્વેમાં અનેક હનીમૂન ડેસ્ટિનેશન્સ અંગે જણાવવામાં આવ્યું છે. જેમાં મોરક્કોના શહેર મરાકેશમાં 17 ટકા, ફ્રેન્ચ પોલિનેશિયામાં દ્વીપના બોરાબોરામાં 13 ટકા, બાલી 10 ટકા, મોરેશિયસ લેપલેન્ડ, વેનિસ, બ્યુનર આયર્સ અને કેનકન સામેલ છે.