લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, એપ્રીલ 2026 |
વડોદરા |
2178
વડોદરા શહેરમાં વ્યાજખોરોનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. વ્યાજના વિષચક્રમાં ફસાયેલા ‘કલકત્તા કાર એસેસરીઝ’ના ૪૭ વર્ષીય વેપારી નિતિન હસમુખલાલ શાહએ વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળીને પોતાની જ દુકાનમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે.
આ ઘટનાને પગલે વેપારી આલમ અને મૃતકના પરિવારમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. મૃતકના ભાઈ દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપો મુજબ, નિતિનભાઈ છેલ્લા ઘણા સમયથી કેટલાક વ્યાજખોરોના દબાણ હેઠળ હતા. પરિવારનો આક્ષેપ છે કે મુખ્ય આરોપી ઘનશ્યામભાઈ ભીખાભાઈ પટેલ વારસાઈ દેવાના બહાને જૂના ચેકોનો દુરુપયોગ કરી ધાકધમકી આપતો હતો. આ ઉપરાંત, અન્ય આરોપીઓ રાજુભાઈ પટેલ અને રોહન પટેલ પાસે દુકાનની ઓરિજિનલ ફાઈલો હોવાનું જાણવા મળ્યું છે:
મૃતકના ભાઈએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આરોપીઓ દુકાનની મૂળ ફાઈલો દબાવીને બેઠા છે અને વેપારીને પોતાની મિલકત વેચવા દેતા નહોતા. તેમજ ત્રણેય વ્યાજખોર ક્યારેક ૫૦ લાખ, તો ક્યારેક ૧ કરોડ કે સવા કરોડની ઉઘરાણી બતાવી માનસિક ત્રાસ આપતા હતા. વધુમાં તેમને મિલકત આપી દીધી હોવા છતાં વ્યાજખોરો વ્યાજનું વ્યાજ ગણીને હજુ પણ લાખોની માંગણી કરી રહ્યા હતા.
અને વેપારીના પત્નીના નામના ચેકો પણ આરોપીઓ પાસે છે, જેના આધારે તેઓ ખોટા કેસો કરીને હેરાન કરતા હતા. આપઘાતની ઘટના બાદ પરિવારે પોલીસ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે. મૃતકના ભાઈએ પોલીસ કમિશનરને નમ્ર વિનંતી કરી છે કે આ ત્રણેય જવાબદાર શખ્સો સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. વ્યાજખોરો દ્વારા કરવામાં આવતી પઠાણી ઉઘરાણી અને મિલકતો પચાવી પાડવાની આ મોડસ ઓપરેન્ડીએ એક નિર્દોષ વેપારીનો ભોગ લીધો છે. “જાે મિલકત આપી દીધી હોય તો પણ વ્યાજખોરો કેમ ધરાતા નથી? મારા ભાઈને આત્મહત્યા કરવા મજબૂર કરનારા આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવા જાેઈએ.” હાલ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જાેકે, વ્યાજખોરીના આ દૈત્યને ડામવા માટે પોલીસ કેટલી સખ્તાઈ દાખવે છે તે જાેવું રહ્યું.