વડોદરા, તા.૩

વાઘોડિયામાં વાવનાથ તળાવના બ્યૂટિફિકેશન મુદ્‌ે વાઘોડિયાના ધારાસભ્યના સમર્થકે જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેનને જાહેરમાં લાફો મારવાના બનાવને લઈને જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. ત્યારે આજે જિલ્લા પંચાયત કચેરી ખાતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ સંગઠનના અગ્રણીઓ એકઠા થયા હતા. લાફા પ્રકરણનો મામલો પ્રદેશ પ્રમુખ સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળે છે. ત્યારે લાફા પ્રકરણ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા માટે કપરું સાબિત થશે? તેવી ચર્ચા જિલ્લાના રાજકારણમાં થઈ રહી છે.

વડોદરા જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન નીલેશ પુરાણીએ વાઘોડિયા પોલીસ મથકે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના ટેકેદાર કિરીટસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું છે કે, વાઘોડિયામાં આવેલ વાવનાથ તળાવના બ્યૂટિફિકેશનની કામગીરીનું ટેન્ડર ઓનલાઈન થઈને ડિઝાઈન અને એસ્ટિમેન્ટ લેવલ છે. ત્યારે તળાવની ગંદકી દૂર કર્યા બાદ કામગીરી કરવા સંદર્ભે ધારાસભ્યએ સંબંધિત વિભાગને જણાવ્યું હતું. ધારાસભ્યને ફોન કરતાં તેઓ તળાવ પર છે તેમ કહ્યું હતું. જેથી ત્યાં પહોંચતાં ધારાસભ્ય મળ્યા ન હતા. પરંતુ તેમના માણસો અને ગામના લોકો હાજર હતા. ત્યાં ધારાસભ્યના ઓળખીતા કિરીટસિંહ જાડેજાએ ઝઘડો કરીને તમાચો મારી દઈને ધમકી આપી હતી. ત્યારે આ બનાવને લઈને જિલ્લા ભાજપના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો.

આજે જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા પ્રમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ, વિવિધ કમિટીના ચેરમેન એકઠા થયા હતા. ત્યાં આ મુદ્દે ચર્ચા થઈ હોવાનું જાણવા મળે છે. જાે કે, જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, સમગ્ર બાબતની પ્રદેશ પ્રમુખ અને મને જાણ કરાઈ છે. પ્રદેશ પ્રમુખ જે માર્ગદર્શન આપશે તે મુજબ આગળની કાર્યવાહી કરાશે તેમ કહ્યું હતું. જાે કે, આ લાફા પ્રકરણ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા માટે કપરું સાબિત થશે? કે તેમના ભાજપમાં પ્રવેશની બારી બંધ થશે? તેવી ચર્ચા હવે જિલ્લાના રાજકારણમાં શરૂ થઈ છે.