વડોદરા, તા.૨૪

વડાપ્રધાન મોદીના દરેક વ્યક્તિને સપનાના ઘરના સ્વપ્નને સાકાર કરવા વડોદરા ક્રેડાઈ દ્વારા દર બે વર્ષે પ્રોપર્ટી એક્સ્પોનું આયોજન કરવામાં આવે છે. વડોદરા ક્રેડાઈ દ્વારા આયોજિત પ્રોપર્ટી એક્સ્પો ૨૦૨૩નું ઉદ્‌ઘાટન સાંસદ રંજનબેન ભટ્ટના હસ્તે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ, જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ પટેલ, પ્રદેશ ભાજપ પ્રવકતા અને ભૂ.પૂ. મેયર ભરત ડાંગર અને સ્થાયી સમિતિના ચેરમેન હિતેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.આ એક્સ્પોમાં શહેરના નામાંકિત ૭પ ડેવલોપર્સ દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં અંદાજે ૩૦૦થી વધુ પ્રોજેક્ટ રજૂ કરાયા છે. ઘર હોય કે દુકાન હોય કે ઓફિસ બધું જ ડેવલોપર્સ દ્વારા ઓફર કરવામાં આવી રહ્યું છે. રૂા. ૧પ લાખથી શરૂ થઈ રૂા.૩ કરોડ સુધીના વીલા ડેવલોપર્સ દ્વારા ઓફર કરવામાં આવી રહ્યા છે જે વ્યક્તિને લૉનની જરૂર છે તેમની માટે એક્સ્પોમાં પાંચથી વધુ બેન્ક દ્વારા ઓન ફલોર લૉન આપવાની સુવિધા આપવામાં આવી છે એમ ક્રેડાઈના પ્રમુખ મયંક પટેલે જણાવ્યું છે.આ પહેલો એક્સ્પો હશે જેની તમામ માહિતી મેળવવા વ્યક્તિએ માત્ર એક કયુઆર કોર્ડ સ્કેન કરવાનો રહેશે. આ એક્સ્પો સંપૂર્ણપણે ટેકનોલોજી ફ્રેન્ડલી બનાવવામાં આવ્યો છે તે ઉપરાંત આ એક્સ્પો ૧.૭૫લાખ ચો.ફૂટ વિસ્તારમાં વિવિધ વિશાળ અને સંપૂર્ણ એ.સી. ડોમમાં ફેલાયેલો છે જેમાં શહેરીજનોને મળશે તેમના સપનાનું ઘર, ઓફિસ કે દુકાન, આ ઉપરાંત પાર્કિંગની સગવડ અને રજિસ્ટ્રેશનની સરળ પદ્ધતિ એક્સ્પોની ખાસિયત છે. એટલું જ નહીં, ડેવલોપર્સ દ્વારા સ્પોટ બુકિંગ કરાવનારને ખાસ ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવેલ છે.એક્સ્પોના પ્રથમ દિવસે જ વડોદરાવાસીઓનો એક્સ્પો વિઝિટ માટે ખૂબ જ ધસારો જાેવા મળેલ છે. પ૦ જેટલા મકાન, દુકાન, ઓફિસ સ્પોર્ટ પર બુકિંગ થયેલા છે અને વિવિધ બેન્કો દ્વારા ૧પ થી વધુ સ્પોર્ટ લૉન એપ્રુવ કરવામાં આવી છે તેમજ વિઝિટ કરનાર લોકો પૈકી ૧૦૦ ઉપરાંત લોકોએ વિવિધ વિસ્તારોની સાઈટ વિઝિટ કરેલ છે અને આગામી બે દિવસમાં રજાના દિવસો હોય એક લાખ કરતાં વધુ લોકો પ્રોપર્ટી શૉની મુલાકાતનો લાભ લેશે તેવી ખાતરી વ્યક્ત કરી છે.