વડોદરા, તા. ૨૩

વડોદરાની કોર્ટમાં આજે સવારે કોર્ટ કાર્યવાહી દરમિયાન સિનિયર વકીલને હાર્ટએટેક આવ્યો હતો. સિવિયર હાર્ટએટેકના કારણે તે ખુરશીમાં જ બેભાન થઈ ઢળી પડતા કોર્ટ રૂમમાં દોડધામ મચી હતી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા માટે કોર્ટમાં ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી પરંતું ૧૦૮ની ટીમે વકીલને મૃત જાહેર કરતા વકીલોમાં ભારે ગમગીની ફેલાઈ હતી. દિવાળીપુરા ખાતે આવેલી ન્યાયમંદિર કોર્ટમાં દિવાળી વેકેશન પુરુ થતાં વકીલોમાં બાકી કેસના મુદ્દે કામગીરીનો ધમધમાટ શરૂ થયો છે. આજે સવારે કોર્ટ શરૂ થતાં જ વકીલો અને અસીલો કોર્ટમાં મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા. આ પૈકી ડભોઈરોડ પર સોમાતળાવ પાસે આવેલી રિધ્ધી સિધ્ધી સોસાયટીમાં રહેતા ૫૩ વર્ષીય સિનિયર વકીલ જગદીશભાઈ ભીખાજીરાવ જાદવ પણ તેમના એક કેસની કાર્યવાહી માટે સિનિયર સિવિલ એન્ડ એડી.ચીફ જ્યુડી.મેજી.બી.કે.રાવલની કોર્ટમાં તેમના અસીલ સાથે પહોંચ્યા હતા.

કોર્ટમાં મેજીસ્ટ્રેટ આવતા જ કાર્યવાહી શરૂ કરાઈ હતી આ દરમિયાન ખુરશીમાં બેઠેલા વકીલ જગદીશભાઈ જાદવને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો અને તે કોઈની પાસે મદદ માંગે તે પહેલા જ તે અચાનક બેભાન થઈ ઢળી પડ્યા હતા. આ દ્રશ્યના પગલે તેમના અસીલ અને અન્ય વકીલ મિત્રોએ તેમને ભાનમાં લાવવાના પ્રયાસ કર્યા હતા પરંતું જગદીશભાઈએ કોઈ પ્રતિક્રિયા નહી આપતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવા માટે ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. જાેકે ૧૦૮ની ટીમે પ્રાથમિક તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. જાેકે ખરાઈ માટે તેમને ગોત્રી હોસ્પિટલમાં ખસેડાયા હતા જયાં તબીબોએ પણ તેમને મૃત જાહેર કર્યા હતા. કોર્ટ કાર્યવાહી દરમિયાન વકીલનું હાર્ટએટેકથી મોતની જાણ થતાં જ વકીલ મંડળના પ્રમુખ અને સભ્યો કોર્ટ ખાતે દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે જગદીશભાઈ જાદવનો જન્મ ૧૯૭૦માં થયો હતો અને તેમણે ગત ૧૯૯૯થી સનદ મેળવી વકીલાત શરૂ કરી હતી. ભારે મિલનસાર સ્વભાવના જગદીશભાઈના આકસ્મિક મોતના પગલે વકીલોમાં ભારે ગમગીની ફેલાઈ હતી.

વકીલમંડળના પ્રમુખનો સન્માન સમારોહ મોકૂફ

વડોદરા વકીલ મંડળના પ્રમુખ નલીન પટેલની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન તરીકે વરણી થતા આજે સાંજે નલીન પટેલનો ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરાયું હતું જેની તમામ તૈયારીઓ પુરી થઈ હતી. આ અંગે નલીન પટેલે જણાવ્યું હતું કે કોર્ટ રૂમમાં વકીલના મોતની જાણ થતાં મે તુરંત વડોદરા વકીલ મંડળની બેઠક બોલાવી હતી અને મારો સન્માન સમારોહ મોકુફ રાખવા જણાવ્યું હતું. આજના કાર્યક્રમ માટે ૧૨૦૦ મહેમાનો માટે રસોઈ અને ફરાળની વાનગીઓ તૈયાર કરી દેવાઈ હતી જે અનાથઆશ્રમ અને અન્ય સંસ્થાઓને પહોંચાડી અમે અમારા સાથી મિત્ર જગદીશભાઈને શ્રધ્ધાંજલી આપી છે.