વડોદરા, તા.૨

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા સરદાર એસ્ટેટ પાછળ ભાગ્યલક્ષ્મીનગર પાસે છેલ્લા ૧૨ દિવસથી પાણીની લાઇન લીકેજ સર્જાયું છે.જેથી રોજ પાણીના સમયે હજારો લિટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. એક તરફ કોર્પોરેશન પાણીની ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરવાની મોટી મોટી વાતો કરી રહી છે, અને ફરિયાદોનો તાત્કાલિક નિકાલ માટે કંન્ટ્રોલ રૂમ પણ શરૂ કર્યો છે. તો બીજી બાજુ સરદાર એસ્ટેટ પાસે પાણીની લાઈનની લીકેજ અંગે તા.૧૮મીએ ફરિયાદ કરવા છતાં હજુ સુધી કોઇ ઉકેલ આવ્યો નથી.

છેલ્લા ૧૨ દિવસ દરમિયાન હજારો લિટર ચોખ્ખા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને ગટરમાં વહી ગયું છે. કોર્પોરેશન દ્વારા પાણીની ફરિયાદોના નિકાલ માટે બનાવાયેલા કંન્ટ્રોલ રૂમમાં લોકો દૂષિત પાણી અંગે, લાઇન લીકેજ અંગે, પાણી પૂરતું પ્રેશર ન મળતું હોવા મુદ્દે ફરિયાદો કરી રહ્યા છે. પરંતુ લાઈન લીકેજને કારણે પાણીનો બગાડ થઈ રહ્યો હોવાથી લોકોને પાણી પ્રેશરથી મળતું નહીં હોવાથી ઉનાળામાં લોકો પાણી માટે વલખાં મારી રહ્યાં છે. પૂર્વ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ સ્થળે પાણીની લાઇન લીકેજ થવાના કારણે પાણીનો વેડફાટ થતો હોવાની ફરિયાદો સતત થતી રહી છે. આમ છતાં તંત્ર દ્વારા લીકેજના બનાવો શોધવામાં નિષ્ફળ રહ્યુ છે. આમ પાલિકા દ્વારા પાણી માટે શરૂ કરાયેલ કંટ્રોલ રૂમ શોભાના ગાંઠિયા સમાન હોવાના આક્ષેપો લોકો કરી રહ્યા છે.