લિવરપુલની ટીમ 30 વર્ષના લાંબા ગાળા બાદ ઇંગ્લિશ પ્રીમિયર લીગ ફૂટબોલ ટાઇટલ જીતી લીધું છે. ગુરુવારે રમાયેલી મેચમાં ચેલ્સીએ માન્ચેસ્ટર સિટીને હરાવ્યું તે સાથે જ લિવરપુલના ત્રણ દાયકાના દુકાળનો અંત આવી ગયો હતો. આ સફળતાથી રોમાંચિત થઈ ગયેલા ફેન્સે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોને પણ ભૂલાવી દીધા હતા અને ઉજવણી કરવા લાગ્યા હતા.

લિવરપુલે છેલ્લે 1989-90માં ઇંગ્લિશ પ્રીમિયર લીગ ટાઇટલ જીત્યું હતું. લિવરપુલની આ સફળતાનો શ્રેય કોચ જુર્ગાન ક્લોપને ફાળે જાય છે. તેના માર્ગદર્શનમાં જ ટીમ ગયા વર્ષે ફાઇનલમાં પહોંચી હતી. લિવરપુલે 19મી વાર ઇંગ્લિશ પ્રીમિયર ટાઇટલ જીત્યું છે. 132 વર્ષના લીગના ઇતિહાસમાં લિવરપુલ એવી બીજી ક્લબ છે જેણે આટલી વાર ટાઇટલ જીત્યું હોય. માન્ચેસ્ટર યુનાઇટેડે પણ 19 વખત ટાઇટલ જીત્યું હતું.

લિવરપુલે આ સિઝનમાં શાનદાર દેખાવ કર્યો છે. તેણે 31 મેચ રમી હતી જેમાંથી 28 મેચમાં તેનો વિજય થયો હતો. બે મેચ ડ્રો રહ્યા હતા. આમ તે માત્ર એક જ મેચ હાર્યું હતું. તે હાલમાં 86 પોઇન્ટ ધરાવે છે અને બીજા ક્રમે રમી રહેલી ટીમ કરતાં 25 પોઇન્ટની સરસાઈ પર છે.