લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, એપ્રીલ 2026 |
2277
સુરત મહાનગર પાલિકાની ખજાેદ વેસ્ટ ડિસ્પોઝલ સાઇટ ખાતે આગનો ધૂમાડો કાબુમાં નહીં આવતાં આસપાસનાં ગામોનાં રહિશોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. દિપલી, ખજાેદ સહિતનાં ગામોનાં લોકોએ ગઇકાલે મંગળવારે રાત્રે ડિસ્પોઝલ સાઇટ ખાતે કચરાની ટ્રકો અટકાવતાં મામલો ગરમાયો હતો જાે કે, પોલીસનો કાફલો પહોંચી જતાં પરિસ્થતિ વણસી ન હતી. કચરાનાં ઝેરી કચરાને કારણે સ્વાસ્થ્ય સામે જાેખમ ઉભું થઇ રહ્યું હોવાથી ગામલોકો આંદોલન કરવાનાં મૂડમાં આવી ગયાં છે પરંતુ મહાનગર પાલિકાની ચૂંટણી આડે હવે ગણતરીનાં દિવસો જ બાકી રહ્યાં હોવાથી ભાજપનાં નેતાઓ પણ લોકોનાં મનમાં ફેલાઇ રહેલી આક્રોશની આગને ઠારવાનાં પ્રયાસો કરી રહ્યાં છે. ખજાેદ ડિસ્પોઝલ સાઇટ ખાતે વારંવાર લાગતી આગ અને ધૂમાડાની સમસ્યાથી સ્થાનિક રહિશો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે પરંતુ આ સમસ્યા સુરત મહાનગર પાલિકાનાં સત્તાધીશો માટે કાબુ બહાર હોવાનું જણાઇ રહ્યું છે. કચરાને સો ટકા પ્રોસેસિંગ કરીને નિકાલ કરવાનો કોન્ટ્રાક્ટ લેનાર સી.ડી.ટ્રાન્સ્પોર્ટનો માલિક નુરૂદ્દિન વાપીનો ભાજપનો નેતા હોવાથી સુરત મહાનગરપાલિકાનાં વહિવટી સત્તાધીશો તેની વિરૂદ્ધ આકરાં પગલાં લેતાં ખચકાઇ રહ્યાં છે. માત્ર નોટિસ-નોટિસનાં ખેલમાં અત્યારસુધી નુરૂદ્દિનને ૬૦થી વધારે નોટિસ ફટકારવામાં આવી છે પરંતુ તેને બ્લેકલિસ્ટ કરવા કે પોલીસ ફરિયાદ નોંધાવવા જેવાં કડક પગલાં લેતાં કમિશનર અને ડેપ્યુટી કમિશનરનાં હાથ ધ્રુજી રહ્યાં છે. તાજેતરમાં નુરૂદ્દિનને અઢી કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો પરંતુ તેણે દંડ ભરવાનો સાફ ઇન્કાર કરી દીધો તેમ છતાં કમિશનરે વળતી કોઇ જ કાર્યવાહી કરી નથી. કચરાનાં ઢગલાંમાં આગને કારણે મોટાપ્રમાણમાં ધૂમાડો નીકળતો હોવાથી હવામાં પ્રદુષણની માત્રા બગડી રહી છે, લોકોનાં ઘરોમાં પણ ધૂમાડો પ્રસરી રહ્યો હોવાથી લોકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે જેની પ્રતીતિ ગઇકાલે મંગળવારે રાત્રે મહાનગર પાલિકાનાં અધિકારીઓને થઇ હતી. દિપલી અને ખજાેદ સહિત આસપાસનાં ગામોનાં ૨૦૦ જેટલાં લોકોનું ટોળું ખજાેદ ડિસ્પોઝલ સાઇટ ખાતે ધસી ગયું હતું અને શહેરમાંથી કચરો ભરીને ડિસ્પોઝલ સાઇટમાં જતી ટ્રકોને અટકાવી હતી. લોકોનો આક્રોશ જાેતાં મહાનગર પાલિકાનાં સેનેટરી ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ લાચારીભરી સ્થિતિમાં મૂકાઇ ગઇ હતી પરંતુ વાતાવરણ વધારે બગડે નહીં તે માટે તાત્કાલિક પોલીસને જાણ કરતાં પોલીસનો કાફલો આવી ગયો અને લોકોને વિખેરી નાખતાં કોઇ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.
આગને કાબૂમાં લેવા કેટલી ટ્રકો ભરીને માટી નખાઇ તેનો અધિકારીઓ પાસે હિસાબ જ નથી
ખજાેદ ખાતે તાજેતરમાં લાગેલી ભીષણ આગને કાબુમાં લેવા માટે મહાનગર પાલિકાનાં સત્તાધીશોએ ટ્રકો ભરી ભરીને માટી કચરા ઉપર નખાવી હતી. આગ લાગે નહીં તે માટે જીપીસીબીએ સૂચવેલાં પગલાં લેવામાં બેદરકારી રાખનાર અધિકારીઓએ આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસે તેવો ઘાટ ઘડીને તમામ ઝોન વિસ્તારમાંથી ટ્રકોમાં મોટા જથ્થામાં માટી એકત્ર કરીને ટ્રકોમાં લાવી જ્યાં આગ લાગી હતી તે ૨૦,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં કચરા ઉપર ઠાલવીને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. જાે કે, કેટલી ટ્રકો ભરીને માટી નખાઇ તેનો હિસાબ આપવા અધિકારીઓ તૈયાર નથી. ટ્રકો ભરી ભરીને માટી નાખવાનો ખર્ચ મહાનગર પાલિકાનાં સત્તાધીશોએ ઇજારદાર સી.ડી.ટ્રાન્સ્પોર્ટનાં નુરૂદ્દિન પાસેથી વસુલ કર્યો કે પછી શહેરીજનોનાં પરસેવાની કમાણીનાં રૂપિયામાંથી ચૂકવવામાં આવ્યાં તેની પણ વિગતો આપવાની અધિકારીઓની તૈયારી નથી.