આણંદ : ગુજરાતની ૨૨ નગરપાલિકાઓમાં સોલાર સિસ્ટમ કાર્યરત કરવાની યોજના છે. આ પ્રોજેક્ટમાં ચરોતરમાંથી નડિયાદ નગરપાલિકાને પસંદ કરવામાં આવી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નડિયાદ નગરપાલિકા ખાતે સૂએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટને સ્વયં સંચાલિત બનાવવા તથા નગરપાલિકાનું વીજભારણ ઓછું કરવા અંદાજિત રૂ.૧૦૫.૯૬ લાખના ખર્ચે ૧૮૭ કિલોવોટના સોલાર પ્રોજેક્ટના કામોનું ઇ-ખાતમુહૂર્ત આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું હતું.  

આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં રિન્યૂએબલ એનર્જી ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપી નવી ઊંચાઈ પર લઈ જવા માટે સરકારે હકારાત્મક પ્રયાસો હાથ ધર્યાં છે, જેનાં પરિણામે ગુજરાત રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે દેશભરમાં અગ્રેસર છે. ગુજરાતમાં સોલાર ઊર્જાનો વ્યાપ વધે અને લોકોને સસ્તા ભાવે વીજળી ઘરઆંગણે મળી રહે એ માટે સોલાર પોલિસી વર્ષ ૨૦૧૫માં કાયાર્ન્વિત કરી હતી. મુખ્યમંત્રીએ એવું પણ કહ્યું કે, આ નવી સોલાર પોલિસીના પરિણામે રાજ્યમાં સૌર ઊર્જાનો વપરાશ અને ઉત્પાદન વધવાથી ઇન્ડસ્ટ્રીયાલિસ્ટની પ્રોડકશન કોસ્ટ નીચી જાય અને મેઇડ ઇન ગુજરાત બ્રાન્ડ વિશ્વમાં છવાઇ જાય તેવી આપણી નેમ છે. મુખ્યમંત્રીએ આ નવી પોલિસીનો અભિગમ વધુ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, સૌર ઊર્જાના પરિણામે પરંપરાગત ઊર્જા સ્ત્રો ત એવા કોલસા આધારિત વીજ ઉત્પાદન ઘટશે અને એન્વાયર્મેન્ટ ફ્રેન્ડલી - ગ્રીન ક્લીન એનર્જી ઉત્પાદનને પ્રોત્સાહન મળશે. ગુજરાત મોડલ સૌરઊર્જા ઉત્પાદન ક્ષેત્રે પણ મહત્વનું પૂરવાર થઈ રહ્યું છે. આ જ અભિગમને રાજ્ય સરકારે આગળ વધારીને ગ્રીન એન્ડ ક્લીન એનર્જીના નિર્માણ થકી ગ્રીન એનર્જી હબ બનાવવા માટે મહત્વનો ર્નિણય કર્યો છે. પરિણામ સ્વરૂપ આ નવી ગુજરાત સોલાર પોલિસી-૨૦૨૧ની જાહેરાત કરવામાં આવી છે. આવનાર સમયમાં રિન્યૂએબલ ઊર્જામાં દેશને નવી રાહ ચીંધશે.

ખેડા જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણે આ પ્રસંગે જણાવ્યું હતું કે, નડિયાદ ખાતે સૂએઝ ટ્રીટમેન્ટ પ્લાન, ગોકુળપુરા મંજીપુરા રોડ ખાતે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આજે મુખ્યમંત્રી દ્ધારા નગરપાલિકાઓમાં ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં નડિયાદ નગરપાલિકામાં સૂએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વીજ બીલમાં બચત કરી નડિયાદ નગરપાલિકા વર્ષે રૂપિયા ૨૫ લાખની બચત કરી શકશે. આ પ્રસંગે મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, જિલ્લા કલેક્ટર આઇ.કે. પટેલ, નડિયાદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પ્રણવ પારેખ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.