ત્વચાને મુલાયમ બનાવવા મહિલાઓ ઘણી ક્રિમનો ઉપયોગ કરતી હોય છે. પરંતુ ઘણીવાર આ ક્રિમ તમને ફાયદો નહી પણ મોટુ નુકસાન કરતી હોય છે. ત્યારે કોઇ પણ પ્રોડક્ટનો ઉપયોગ કરતા પહેલા સાવધાની રાખવી જરૂરી છે. જો કે તમે ઘરેલુ નુસખાથી તમારી ત્વચાને મુલાયમ બનાવવાની સાથે કોઇ નુકસાન થતુ હોવાને પણ રોકી શકો છો. તે પણ સાચી વાત છે કે ઘરમાં સૌદર્ય ઉપચાર કરવાથી રૂપિયાની બચત તો થાય જ છે, આ સાથે જ બ્યુટી પાર્લરનાં ચક્કર લગાવવાથી તમે બચી શકો છે. પરંતુ આ લાભને ઉઠાવતી વખતે તમારે ઘણી સાવધાની પણ રાખવી જોઈએ.

નરમ-મુલાયમ-સુંવાળી અને તેજોમય ત્વચા મેળવવા માનુનીઓ ફેરનેસ ક્રીમ, એન્ટિ-સ્પોટ ક્રીમ, એન્ટિ-એજિંગ ક્રીમ, સનસ્ક્રીન લોશન, મોઈશ્ચરાઈઝર જેવી કંઈ કેટલીય વસ્તુઓનો ઉપયોગ કરે છે. તો પણ તેઓ ત્વચાની કાળજીમાં એવી નાની નાની ભૂલો કરી બેસે છે કે તેમનું ચામડીની સારસંભાળ માટે કર્યું-કરાવ્યું સઘળું એળે જાય છે. નિષ્ણાતો કહે છે કે, ચોક્કસ બાબતોનું ધ્યાન રાખવાથી તમે તમારી ત્વાચનું સૌંદર્ય જાળવી શકો છો.

ચહેરા પરની મૃત ત્વચા દૂર કરી તેને સુંવાળી-તેજોમય બનાવવા સ્ક્રબિંગ અને એક્સફોલિએટિંગ જરૂરી છે. – રોજેરોજ કે વારંવાર સ્ક્રબ કરવાથી ત્વચામાં રહેલા કુદરતી તેલ નાશ પામે છે અને ચામડી શુષ્ક – ફિક્કી લાગે છે. તેથી અઠવાડિયે કે પંદર દિવસે એક વખત સ્ક્રબિંગ કરવું જોઇએ. 

તમારી ત્વચાને ભીની-ભીની-સુંવાળી રાખવા નિયમિત રીતે મોઈશ્ચરાઈઝર લગાવો. જો તમારી ત્વચા તૈલીય હોય તોય મોઈશ્ચરાઈઝર લગાવવામાં વાંધો નથી. તમારી ત્વચાને અનુરૃપ મોઈશ્ચરાઈઝર ખરીદો, બાકી ઓઈલ અને મોઈશ્ચર બંને અલગ અલગ વસ્તુ છે એ ન ભૂલો. સેલફોનનો ઉપયોગ કરવાથી પહેલા અને વાત કરી લીધા પછી તેને લૂછવાનું ન ભૂલો. નહીં તો તેના બટન વચ્ચે અથવા સ્ક્રીન પરની ધૂળ-પરસેવા કે ડાઘમાં રહેલા બેક્ટેરિયા તમારા કાન અને તેની આસપાસનાં ભાગને અસર કરી તમારી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. 

ગરમ પાણીના શાવર નીચે સ્નાન કરવાથી તમારું થાકેલું શરીર હળવાશ અનુભવે છે, પણ આ પાણી માત્ર હુંફાળું હોવું જોઈએ. વધારે ગરમ પાણીથી ત્વચામાં રહેલા કુદરતી તેલ નાશ પામે છે અને ચામડી શુષ્ક-ફિક્કી લાગે છે. વળી વધારે પડતાં ગરમ પાણીને કારણે ત્વચા પરનાં છિદ્રો ખુલી જાય છે જેમાં ધૂળ-બેક્ટેરિયા આસાનીથી પ્રવેશી શકે છે. આ સાથે તમે તમારા ભોજનમાંથી જંક ફુડને જાકારો આપો અને ફળો અને શાકભાજીને પ્રાધાન્ય આપો. જંક ફુડથી રક્તવાહિનીઓમાં અવરોધ પેદા થાય છે અને રક્ત પ્રવાહ ધીમો પડે છે. પરિણામે ત્વચા ફિક્કી લાગે છે. જ્યારે ફળો અને શાકભાજી ચામડીને ચળકતી બનાવે છે.