31, જુલાઈ 2025
નવી દિલ્હી |
8613 |
માલેગાંવ વિસ્ફોટના તમામ ૭ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા બાદ, આ મુદ્દે રાજકારણ ગરમાયંિ છે. ભાજપે આ અંગે કોંગ્રેસને ઘેરવાનું શરૂ કર્યું છે અને 'હિન્દુ આતંકવાદ'ના કથિત સિદ્ધાંત પર આકરા પ્રહાર કર્યા છે.
ભાજપના પ્રવક્તા રવિશંકર પ્રસાદે શું કહ્યું?
ચુકાદા પછી તરત જ, ભાજપે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ભાજપના પ્રવક્તા રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી અને યુપીએ સરકારના તત્કાલીન ગૃહમંત્રી પી. ચિદમ્બરમ તથા સુશીલ કુમાર શિંદેના કથિત નિવેદનોનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર ભગવો આતંકવાદ ઊભો કરવાનો આરોપ લગાવ્યો.
પ્રસાદે કહ્યું કે, "ચિદમ્બરમે ડીજીપીની પ્રેસ કોન્ફરન્સમાં ભગવો આતંકવાદ વિશે વાત કરી હતી. બીજા ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ પણ ભગવો આતંકવાદ વિશે વાત કરી હતી. એટલું જ નહીં, રાહુલ ગાંધીએ તેમની વાતચીતમાં યુએસ રાજદૂતને પણ કહ્યું કે હિન્દુ આતંકવાદ લશ્કર-એ-તૈયબા કરતા વધુ ખતરનાક છે."
'હિન્દુ આતંકવાદ લાદવાનું કાવતરું નિષ્ફળ ગયું'
રવિશંકર પ્રસાદે વધુમાં જણાવ્યું કે, "માલેગાંવ વિસ્ફોટ પર NIA કોર્ટનો નિર્ણય ઐતિહાસિક છે. બળજબરીથી હિન્દુ આતંકવાદ લાદવાનું કોંગ્રેસનું કાવતરું નિષ્ફળ ગયું છે."
તેમણે કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, "કોઈની સામે કોઈ પુરાવા મળ્યા નથી. કર્નલ પુરોહિત એક સક્ષમ લશ્કરી અધિકારી હતા. તેમણે કાશ્મીરમાં આતંકવાદ સામે લડ્યા હતા. પરંતુ તેમને ફસાવી દેવામાં આવ્યા હતા. પ્રજ્ઞા ઠાકુર ખૂબ જ સારી સાધ્વી હતી. તેઓ સાંસદ પણ બન્યા હતા. પરંતુ એવું કહેવામાં આવ્યું હતું કે તેમની બાઇકમાંથી બોમ્બ મળી આવ્યો હતો. તેમને એટલો ત્રાસ આપવામાં આવ્યો હતો કે તેમના માટે ચાલવું મુશ્કેલ બની ગયું હતું. આ બધું વોટ બેંક રાજકારણ માટે કરવામાં આવ્યું હતું."
ભાજપ સહિતના નેતાઓના નિવેદનો
• રવિશંકર પ્રસાદે આજના દિવસને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે, "દેશ પર 'હિન્દુ આતંકવાદ' લાદવાનો કોંગ્રેસનો પ્રયાસ નિષ્ફળ ગયો છે. અમે કોર્ટના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ."
• મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (ઉત્તર પ્રદેશ): તેમણે કહ્યું કે માલેગાંવ બ્લાસ્ટ કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવા એ 'સત્યમેવ જયતે' ની જીવંત ઘોષણા છે. આ નિર્ણય કોંગ્રેસના ભારત વિરોધી, ન્યાય વિરોધી અને સનાતન વિરોધી પાત્રને ઉજાગર કરે છે. તેમણે કોંગ્રેસને 'ભગવા આતંકવાદ' જેવો ખોટો શબ્દ બનાવીને કરોડો સનાતન શ્રદ્ધાળુઓ, સંતો અને રાષ્ટ્રસેવકોની છબી ખરડવા બદલ જાહેરમાં માફી માંગવા જણાવ્યું.
• બ્રિજલાલ (ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ પોલીસ ડીજીપી અને ભાજપના રાજ્યસભા સાંસદ): "મને ખૂબ આનંદ છે કે કર્નલ પુરોહિત અને સાધ્વી પ્રજ્ઞાને આ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આ બધું કોંગ્રેસનું ષડયંત્ર હતું અને તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા. આ કોંગ્રેસના ભગવા આતંકવાદનો એક ભાગ હતો. સોનિયા ગાંધી અને તત્કાલીન ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ આખા દેશની માફી માંગવી જોઈએ."
• દામોદર અગ્રવાલ (ભાજપ સાંસદ): "આજે કોર્ટના ચુકાદા પછી સત્ય બહાર આવ્યું છે. તે સમયે 'ભગવા આતંકવાદ' જેવી વાતો પણ કહેવામાં આવી હતી, આજે દરેકને પોતાનો જવાબ મળી ગયો છે."
• વિનોદ બંસલ (વિહિપના રાષ્ટ્રીય પ્રવક્તા): "આ કોંગ્રેસના મોઢા પર એક કડક થપ્પડ છે. કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વએ હાથ જોડીને હિન્દુ સમાજની માફી માંગવી જોઈએ."
• રાજા સિંહ (તેલંગાણાના ધારાસભ્ય): "આજે ફરી એકવાર કોંગ્રેસનો હિન્દુ વિરોધી ચહેરો દેશની સામે આવ્યો છે. ૨૦૦૮ના માલેગાંવ વિસ્ફોટમાં સંડોવાયેલા તમામ ભગવા વસ્ત્રધારી લોકોને આજે સન્માનપૂર્વક નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. ધર્મનો વિજય થયો છે. ભગવા વસ્ત્રધારી લોકોનો વિજય થયો છે."