30, ઓગ્સ્ટ 2025
અમરેલી |
2871 |
બીજી સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
ગુજરાતમાં છેલ્લાં ઘણાં સમયથી મેઘરાજા જોરદાર બેટીંગ કરી રહ્યાં છે. હજુ વરસાદનું જોર યથાવત રહ્યું છે. ત્યારે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. જેના કારણે અમરેલીના જાફરાબાદના દરિયામાં ત્રણ નંબરનું સિગ્નલ લગાવી માછીમારોને આગામી બીજી સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.
સ્ટેટ કંટ્રોલ વિબાગના સૂત્રો મુજબ જાફરાબાદ લાઇટ હાઉસ ખાતે જીએમબી દ્વારા ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. 29 ઓગસ્ટથી બીજી સપ્ટેમ્બર સુધી દરિયામાં 40થી 60 કિ.મી.ની ઝડપ સુધી પવન ફૂંકાઇ શકે છે. આ સિવાય ઊંચા મોજા ઉછળવાની આગાહીના કારણે જાનમાલનું નુરસાન ન થાય તે માટે માછીમારોને સાવચેત રહેવા જણાવ્યું છે.
નંબર 3 લોકલ વોર્નિંગ સિગ્નલ સૂચવે છે કે, નજીકના સમુદ્ર વિસ્તારમાં તેજ ગતીએ પવન, ભારે વરસાદ કે તોફાની હાલત સર્જાઈ શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા, નૌકા બંદરમાં જ રાખવા અને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવે છે.