બિહારમાં ઉદ્યોગોને પ્રોત્સાહન : નીતિશ સરકારે ચૂંટણી પહેલા ખોલી સરકારી તિજોરી
26, ઓગ્સ્ટ 2025 પટણા, બિહાર   |   5940   |  

૨૫ એકર મફત જમીન અને ૪૦ કરોડની સબસિડીનું પેકેજ જાહેર

બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી નીતિશ કુમારે ઉદ્યોગસાહસિકોને આકર્ષવા માટે 'બિહાર ઔદ્યોગિક રોકાણ પ્રમોશન પેકેજ ૨૦૨૫' (BIPPP-૨૦૨૫) ની જાહેરાત કરી છે. આ પેકેજને NDA સરકારનો એક માસ્ટરસ્ટ્રોક માનવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા અને યુવાનો માટે મોટા પાયે રોજગારીનું સર્જન કરવાનો છે. આ નીતિ હેઠળ, સરકારે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે અનેક આકર્ષક લાભોની જાહેરાત કરી છે. આ પહેલથી રાજ્યના આર્થિક વિકાસને વેગ મળવાની અને સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થવાની અપેક્ષા છે.

નવી ઔદ્યોગિક નીતિ હેઠળ રોકાણકારોને વિવિધ સ્તરે પ્રોત્સાહન આપવામાં આવશે. જેમાં જે ઔદ્યોગિક એકમો ૧૦૦ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરે અને ૧૦૦૦થી વધુ સીધી નોકરીઓનું સર્જન કરે તેમને ૧૦ એકર સુધીની જમીન મફતમાં ફાળવવામાં આવશે. જ્યારે ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરનારા એકમોને ૨૫ એકર સુધીની જમીન મફત મળશે. આ ઉપરાંત, ફોર્ચ્યુન ૫૦૦ કંપનીઓને પણ ૧૦ એકર સુધીની જમીન મફતમાં ફાળવવામાં આવશે. રોકાણકારોને ૪૦ કરોડ રૂપિયા સુધીની વ્યાજ સબસિડી પૂરી પાડવામાં આવશે, જેનાથી તેમને મૂડી ખર્ચમાં મોટી રાહત મળશે અને રોકાણ માટે પ્રોત્સાહન મળશે. નવા એકમોને ૧૪ વર્ષના સમયગાળા માટે તેમના મંજૂર પ્રોજેક્ટ ખર્ચના ૩૦૦ ટકા સુધીનું SGST રિફંડ આપવામાં આવશે. આ લાંબા ગાળાની GST રાહત ઉદ્યોગો માટે મોટું આકર્ષણ બનશે. તેમજ ઉદ્યોગોને ૧૪ વર્ષ માટે દર વર્ષે ૪૦ લાખ રૂપિયા સુધીનું નિકાસ પ્રોત્સાહન પણ મળશે, જે નિકાસલક્ષી ઉદ્યોગોને પ્રોત્સાહિત કરશે અને બિહારને વૈશ્વિક બજારમાં સ્થાન બનાવવામાં મદદ કરશે.

મુખ્યમંત્રી નીતિશ કુમારે જણાવ્યું કે આ નવી નીતિનો ઉદ્દેશ્ય આગામી પાંચ વર્ષમાં લગભગ એક કરોડ યુવાનોને રોજગારી પૂરી પાડવાનો છે. આ પેકેજ હેઠળ અન્ય લાભો પણ સામેલ છે, જે ઉદ્યોગોને બિહારમાં સ્થાપિત થવા માટે પ્રોત્સાહન આપશે. જેમાં નવા ઔદ્યોગિક એકમોને ૩૦ ટકા સુધીની મૂડી સબસિડી આપવામાં આવશે, ઉદ્યોગોમાં કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા માટે પણ સહાય પૂરી પાડવામાં આવશે, જે સ્થાનિક યુવાનોને ઉદ્યોગ માટે તૈયાર કરશે અને પર્યાવરણીય સંરક્ષણ, નવીનીકરણીય ઊર્જાનો ઉપયોગ, સ્ટેમ્પ ડ્યુટી અને જમીન રૂપાંતર ચાર્જની ભરપાઈ, ખાનગી ઔદ્યોગિક ઉદ્યાનોને સહાય અને પેટન્ટ નોંધણી માટે પણ સહાય પૂરી પાડવામાં આવશે.

રોકાણકારોએ આ પેકેજનો લાભ લેવા માટે ૩૧ માર્ચ ૨૦૨૬ પહેલા અરજી કરવાની રહેશે. આ જાહેરાત બિહારમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપશે અને ચૂંટણી પહેલા સરકારની લોકપ્રિયતા વધારવામાં મદદ કરશે તેવી આશા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution