વડોદરા જિલ્લામાં ૩૦ દિવસીય સંરક્ષણ ભરતી પૂર્વેની નિવાસી તાલીમનો પ્રારંભ
26, ઓગ્સ્ટ 2025 વડોદરા   |   2475   |  

તાલીમમાં ૯૦ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે

મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી વડોદરા દ્વારા જિલ્લાના તથા શહેરના યુવા ઉમેદવારોને સંરક્ષણ ક્ષેત્રની વિવિધ ભરતી પરીક્ષાઓ માટે તૈયાર કરી શકાય તે માટે દર વર્ષે ૩૦ દિવસીય સંરક્ષણ ભરતી પૂર્વેની પરીક્ષાલક્ષી ફ્રી નિવાસી તાલીમ યોજવામાં આવે છે. આ વર્ષે પણ આવનારા સમયમાં યોજાનારી આર્મી, નેવી, એરફોર્સ, પેરામિલિટરી, પોલીસ, ફોરેસ્ટ તથા સિક્યુરિટી ક્ષેત્રની ભરતીને ધ્યાનમાં રાખીને એસ.આર.પી.એફ. ગ્રુપ-૯, મકરપુરા, વડોદરા ખાતે તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ તાલીમમાં કુલ ૯૦ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. જેમાંથી ૩૦ ઉમેદવારો અનુસૂચિત જાતિના છે તથા ૬૦ અન્ય કેટેગરીના ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉમેદવારોને ૩૦ દિવસ સુધી સંપૂર્ણ ફ્રી નિવાસી તાલીમ આપવામાં આવશે.

તાલીમ દરમ્યાન દૈનિક બે કલાક શારીરિક તાલીમનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેનો માર્ગદર્શન અનુભવી એક્સ-સર્વિસમેન આપશે. જ્યારે દૈનિક છ કલાકની પરીક્ષાલક્ષી થિયરી તાલીમ તજજ્ઞ વક્તાઓ દ્વારા આપવામાં આવશે.

તાલીમ દરમિયાન ઉમેદવારોને રહેવા માટેની સુવિધા સાથે સવારે ચા-નાસ્તો, બપોરે ભોજન, સાંજે ભોજન તથા પરીક્ષાલક્ષી સાહિત્ય મફતમાં પૂરું પાડવામાં આવશે. ઉપરાંત, ઓછામાં ઓછા ૮૦ ટકાની હાજરી ધરાવતા ઉમેદવારોને દૈનિક રૂપિયા ૧૦૦ પ્રમાણે વધુમાં વધુ રૂપિયા ૩૦૦૦નું સ્ટાઇપેન્ડ ડીબીટી મારફતે ચુકવવામાં આવશે.

આ પ્રકારની તાલીમ વડોદરા જિલ્લાના યુવા ઉમેદવારોને સંરક્ષણ ક્ષેત્રની વિવિધ ભરતી માટે આત્મવિશ્વાસપૂર્વક તૈયારી કરવામાં તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવામાં ઉપયોગી સાબિત થશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution