ટ્રમ્પનું નવું 'નિશાન' : ફાર્મા બાદ હવે ફર્નિચરની આયાત પર ટેરિફ
23, ઓગ્સ્ટ 2025 વોશિંગ્ટન   |   4455   |  

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના નવા પ્રસ્તાવમાં ફર્નિચરની આયાત પર ટેરિફ (જકાત) લાદવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે આગામી ૫૦ દિવસમાં આ અંગેની તપાસ પૂર્ણ થઈ જશે અને ત્યારબાદ અન્ય દેશોમાંથી અમેરિકામાં આવતા ફર્નિચર પર કેટલી ડ્યુટી લાદવી તે નક્કી કરવામાં આવશે. ટ્રમ્પનું માનવું છે કે આ પગલું અમેરિકન ઉદ્યોગને ફરીથી મજબૂત બનાવશે અને ઉત્પાદન દેશની અંદર પાછું લાવશે.

ટેરિફ લાદવા પાછળનું કારણ

ટ્રમ્પે આ પ્રસ્તાવ પાછળનું કારણ સમજાવતા કહ્યું કે, અમેરિકાના ઉત્તર કેરોલિના, દક્ષિણ કેરોલિના અને મિશિગન જેવા રાજ્યો એક સમયે ફર્નિચર ઉદ્યોગના મોટા કેન્દ્રો હતા. પરંતુ, વિદેશમાં સસ્તા મજૂર અને ઓછા ઉત્પાદન ખર્ચને કારણે મોટાભાગની કંપનીઓએ પોતાનું કામ વિદેશમાં ખસેડી દીધું. ટ્રમ્પના મતે, નવા ટેરિફ કંપનીઓને ફરીથી અમેરિકામાં ઉત્પાદન શરૂ કરવા માટે મજબૂર કરશે.

આ જાહેરાતની તાત્કાલિક અસર યુએસ શેરબજારમાં જોવા મળી. વિદેશથી ફર્નિચર આયાત કરતી વેફેર અને આરએચ જેવી કંપનીઓના શેર ઘટ્યા, જ્યારે અમેરિકામાં જ ઉત્પાદન કરતી લા-ઝેડ-બોય જેવી કંપનીઓના શેરમાં વધારો થયો.

ભારત પર શું અસર થશે?

ડોનાલ્ડ ટ્રમ્પની આ જાહેરાતની અસર ભારત પર પણ થઈ શકે છે, કારણ કે ભારત મોટા પ્રમાણમાં ફર્નિચરની નિકાસ અમેરિકામાં કરે છે. જો આ ટેરિફ લાગુ થશે તો ભારતીય ફર્નિચર અમેરિકાના બજારમાં મોંઘું બનશે, જેના કારણે નિકાસ પર પ્રતિકૂળ અસર પડી શકે છે.

હાલમાં અમેરિકન વાણિજ્ય વિભાગ આ મામલે તપાસ કરી રહ્યું છે, જે ટ્રેડ એક્સપાન્શન એક્ટ, ૧૯૬૨ની કલમ ૨૩૨ હેઠળ કરવામાં આવી રહી છે. આ કાયદો રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી ગણાતા ઉત્પાદનો પર ટેરિફ લાદવાની મંજૂરી આપે છે.

ટ્રમ્પની આ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય માત્ર ફર્નિચર ઉદ્યોગ પૂરતો મર્યાદિત નથી. તેઓ કોપર, સેમિકન્ડક્ટર અને દવાઓ જેવા અન્ય ઉત્પાદનો પર પણ ટેરિફ લાદવાનું વિચારી રહ્યા છે. આ બધા પગલાંનો હેતુ સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા, વિદેશી નિર્ભરતા ઘટાડવા અને અમેરિકામાં રોજગાર પાછો લાવવાનો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution