26, ઓગ્સ્ટ 2025
હાંસલપુર, ગુજરાત |
5346 |
જાપાન જેવો મિત્ર જોઈએ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
સુઝુકીના સહયોગથી 'મેક ઇન ઇન્ડિયા'નું ઉદાહરણ આપ્યું
ગુજરાતના હાંસલપુરમાં સુઝુકી મોટર કોર્પોરેશનના કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પરોક્ષ રીતે એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો. તેમણે ભારત અને જાપાન વચ્ચેની મિત્રતાની પ્રશંસા કરતાં કહ્યું કે સાચા મિત્રો એવા હોય છે જે પરસ્પર સહયોગથી વિકાસ કરે, માત્ર ટેરિફની નીતિ અપનાવતા નથી. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે ભારતમાં લોકશાહીની શક્તિ, યુવા વસ્તી અને કુશળ કાર્યબળ જેવી તાકાતો દરેક વૈશ્વિક ભાગીદાર માટે 'જીત-જીત'ની પરિસ્થિતિનું નિર્માણ કરે છે.
ભારત-જાપાનની મિત્રતાનું ઉદાહરણ
વડાપ્રધાને સુઝુકીના ઉદાહરણ દ્વારા 'મેક ઇન ઇન્ડિયા'ની સફળતા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે સુઝુકી જાપાન ભારતમાં વાહનોનું ઉત્પાદન કરી રહ્યું છે અને અહીં બનેલા વાહનોને જાપાનમાં ફરીથી નિકાસ કરવામાં આવી રહ્યા છે. આ માત્ર ભારત-જાપાનના મજબૂત સંબંધોનું પ્રતીક નથી, પરંતુ ભારતમાં વૈશ્વિક કંપનીઓના વધતા વિશ્વાસનો પણ પુરાવો છે. તેમણે મારુતિ સુઝુકીને 'મેક ઇન ઇન્ડિયા' બ્રાન્ડ એમ્બેસેડર ગણાવી, જે સતત ચાર વર્ષથી ભારતની સૌથી મોટી કાર નિકાસકાર રહી છે.
EV અને બેટરી ઉત્પાદનમાં આત્મનિર્ભરતા
વડાપ્રધાને ઈલેક્ટ્રિક વાહનો (EV)ના ભાવિ પર પણ વાત કરી. તેમણે જણાવ્યું કે EV ઇકોસિસ્ટમનો સૌથી મહત્વનો ભાગ બેટરી છે, જે પહેલા સંપૂર્ણપણે આયાત કરવી પડતી હતી. પરંતુ ૨૦૧૭માં ભારતમાં પ્રથમ સેલ બનાવવા માટે ત્રણ જાપાની કંપનીઓ સાથે મળીને બેટરી પ્લાન્ટનો પાયો નાખવામાં આવ્યો. તેમણે કહ્યું કે ભવિષ્યમાં વિશ્વના ડઝનેક દેશોમાં ચાલનારી EV પર 'મેડ ઇન ઇન્ડિયા' લખેલું હશે. તેમણે હાઇબ્રિડ એમ્બ્યુલન્સના પ્રોટોટાઇપ બનાવવાની પણ વાત કરી, જે ઘણી સમસ્યાઓનો નક્કર ઉકેલ છે.
વિકાસ માટે રાજ્યો વચ્ચે સ્પર્ધાની અપીલ
પીએમ મોદીએ ભારતમાં આવતા રોકાણકારોની મૂંઝવણ દૂર કરવા માટે રાજ્યોને એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો. તેમણે બધા રાજ્યોને સુધારા, વિકાસલક્ષી નીતિઓ અને સુશાસન માટે પરસ્પર સ્પર્ધા કરવા આમંત્રણ આપ્યું. તેમણે કહ્યું કે આનાથી ૨૦૪૭ સુધીમાં 'વિકસિત ભારત'ના સંકલ્પને વેગ મળશે.