કુપોષણનો આંકડો ૩૯.૭ ટકાથી ઘટીને ૧૧.૪ થયો, ૨૮.૩ ટકાનો ઘટાડો નોંધાયો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, માર્ચ 2026  |   2277

ગાંધીનગર, કુપોષણ મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે ૨૦૧૯-૨૦૨૧ની સરખામણીમાં જાન્યુઆરી-૨૦૨૬ સુધીમાં અભૂતપૂર્વ પરિણામો મેળવ્યા હોવાનો ગુજરાત સરકારે દાવો કર્યાે છે. ઓછું વજન ધરાવતા નાગરિકોના પ્રમાણમાં મોટો ઘટાડો નોંધાયો છે. અગાઉ આ આંકડો ૩૯.૭ ટકા હતો, જે હવે ઘટીને માત્ર ૧૧.૪ ટકા થયો છે. આમ, કુલ ૨૮.૩ ટકાનો ઘટાડો નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ ૧૦૦૦થી વધુ નવી આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરાયું છે. વર્ષ ૨૦૨૬-૨૭માં નવા આંગણવાડી ભવનો બનાવવા માટે બજેટમાં ૩૬૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. આ આંગણવાડીઓ હવે માત્ર કેન્દ્રો નથી, પણ સ્માર્ટ ટીવી અને નવીનતમ શૈક્ષણિક સાધનોથી સજ્જ ‘સ્માર્ટ લર્નિંગ સેન્ટર’ બન્યા છે. રાજ્યમાં ૧૮૧ અભયમ હેલ્પલાઈન દ્વારા અત્યાર સુધીમાં ૧૭.૯૬ લાખ મહિલાઓએ સહાય મેળવી છે. જેમાંથી ૩.૫૮ લાખ કિસ્સાઓમાં ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. પારિવારિક પ્રશ્નોના સુખદ નિરાકરણ માટે રાજ્યમાં ૨૭૦ નારી અદાલતો કાર્યરત છે. વિધાનસભામાં મહિલા અને બાળ વિકાસ વિભાગની ૭૬૮૯ કરોડની અંદાજપત્રીય માગણીઓની ચર્ચા મંજૂર રાખવામાં આવી હતી. ચર્ચાનો જવાબ આપતાં મંત્રી ડૉ. મનીષા વકીલે જણાવ્યું હતું કે, ‘પોષણ ટ્રેકર’ એપ્લિકેશન દ્વારા આજે છેવાડાના આદિવાસી ગામના બાળકનું વજન અને તેને મળતા દૂધની વિગત મુખ્યમંત્રી, ગાંધીનગરમાં બેઠા એક ક્લિક પર જાણી શકે છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution