અમદાવાદ-

શહેરમાં નવજાત બાળકોને ત્યજી દેવાના કિસ્સાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. અગાઉ પણ આડા સંબંધોથી જન્મેલ બાળકને તેની માતાએ ત્યજી દીધુ હોવાનો કિસ્સો પ્રકાશનમાં આવ્યો હતો. જેમાં પોલીસે માતાની ધરપકડ કરી હતી. ત્યારે મણિનગર વિસ્તારમાં ચાર દિવસના નવજાત બાળકને એલજી હોસ્પિટલમાં તરછોડી માતા ફરાર થઈ ગઈ હતી. જો કે હોસ્પિટલની નર્સને આ અંગે જાણ થતા મણિનગર પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવી છે. પોલીસે હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મણિનગરમાં આવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં પોલીસે મહિલાની ધરપકડ પણ કરી હતી. જ્યારે સોલા સિવિલમાંથી પણ બાળકનું અપહરણ થયું હોવાની ઘટના બની હતી. જેમાં પોલીસે ભારે જહેમત ભરી કામગીરી બાદ મહિલા આરોપીની ધરપકડ કરી લીધી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, આ બાળકની ત્યજી દેનાર તેની માતાની પોલીસ કેટલા સમયમાં ધરપકડ કરી શકે છે?

વટવામાં રહેતા જ્યોતિબહેન ભોઈ એલજી હોસ્પિટલમાં ગાયનેક વોર્ડમાં ફરજ બજાવે છે. તેઓની ગઈકાલે નોકરી બે વોર્ડમાં સ્ટાફ નર્સ તરીકે હતી. તે દરમિયાન GICU વોર્ડમાં 4 નંબરના પલંગ પર દાખલ દર્દી ખુરશીદા બહેન રંગરેજ હાજર મળી આવ્યા નહોતા. આ ખુરશીદા બહેન 16મીએ બિનવારસી હાલતમાં લેબર વોર્ડમાં દાખલ થયા હતા. જે બાબતની રામોલ પોલીસને વર્ધિ પણ લખાવવામાં આવી હતી. ડિલિવરી બાદ ત્રણ દિવસ સુધી તેઓ લેબર વોર્ડમાં સારવાર હેઠળ હતા. ગત 20મીએ તેઓને ગાયનેક આઇસીયુ વોર્ડમાં બાળક સાથે સારવાર માટે શિફ્ટ કરાયા હતા. બાદમાં 21મીએ તેઓ ત્યાં જણાયા નહોતા અને બાળક ત્યાં હતું. ચાર દિવસના બાળકને મૂકીને આ ખુરશીદા બહેન ફરાર થઈ જતા સમગ્ર બાબતની જાણ મણિનગર પોલીસને કરાઈ હતી. જેથી પોલીસે આ મામલે હવે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.