લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, એપ્રીલ 2026 |
વડોદરા |
1881
સયાજીગંજ વિસ્તારમાં છ વર્ષ અગાઉ ઘર પાસે પાણી ભરવા માટે ગયેલી નવ વર્ષની બાળકીનો હાથ પકડીને પોતાના ઘરના બાથરૂમમાં લઈ જઈ તેની પર બળાત્કાર ગુજારનાર યુવકને અત્રેની અદાલતે ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી ૫૦ હજાર દંડ ભરવાનો આદેશ કર્યો હતો.
છ વર્ષ અગાઉ માતા-પિતા અને ત્રણ ભાઈબહેન સાથે સયાજીગંજ વિસ્તારમાં રહેતી અને ધો.૩માં અભ્યાસ કરતી નવ વર્ષની બાળકી ગત ૧૮-૧૦-૨૦૨૦ના સવારે અગિયાર વાગે ઘડો લઈને તેના ઘર પાસે આવેલા નળમાંથી પાણી ભરવા માટે ગઈ હતી. આ દરમિયાન ત્યાં રહેતો ૨૧ વર્ષીય અજય ઉર્ફ આકાશ દિનેશભાઈ રોકડે (રણજીતનગર, પરશુરામ ભટ્ટો, સયાજીગંજ) બાળકીનો હાથ પકડીને તેના ઘરના બાથરૂમમાં લઈ ગયો હતો અને તેણે માસુમ બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો.બીજીતરફ બાળકી ઘરે પરત નહી આવતા તેની કાકીએ તપાસ કરી હતી અને બાળકીને આકાશ સાથે તેના બાથરૂમમાં જાેતાં તેણે આકાશને ઠપકો આપ્યો હતો અને બાળકીને ઘરે લઈ ગઈ હતી. ઘરે આવેલી બાળકીએ તેના પર આકાશે બાથરૂમમાં બળાત્કાર ગુજાર્યો હોવાની જાણ કરતાં બાળકીની માતાએ આ બનાવની સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના પગલે પોલીસે આકાશ વિરુધ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
આ કેસ અત્રેની એડી. સેશન્સ જજ ચિરાગ એમ.પવારની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપી આકાશ રોકડેને તકસીરવાન ઠેરવીને પોક્સોના ગુનામાં ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી ૫૦ હજાર રૂપિયા દંડ ભરવાનો આદેશ કર્યો હતો. આ ઉપરાંત કોર્ટે બળાત્કારનો ભોગ બનેલી બાળકીને ગુજરાત વિક્ટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ બે લાખ રૂપિયાનું વળતર ચુકવવા માટે લીગલ ઓથોરિટી સર્વિસને હુકમ કર્યો હતો.