વડોદરા, તા.૧૯

વડોદરા તાલુકાના અનગઢ ખાતે કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં યોજાયેલી જાહેરસભામાં કોંગ્રેસથી નારાજ થયેલા વડોદરા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, વડોદરા જિલ્લા કોંગ્રેસના મહામંત્રી, પૂર્વ મંત્રીના પુત્ર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત પ૦૦ જેટલા કોંગ્રેસના કાર્યકરોએ આજે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. વાઘોડિયા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા ઉમેદવારનું નામ જાહેર કર્યા બાદ ટિકિટમાં દાવેદારો દિલીપ ભટ્ટ, યોગપાલસિંહ ગોહિલ સહિત કોંગ્રેસના કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરીને વિરોધ કર્યો હતો. જાે કે, પૂર્વમંત્રીના પુત્ર યોગપાલસિંહ અપક્ષ ઉમેદવારી નોંધાવશે તેવી શક્યતા વચ્ચે તેમણે ફોર્મ ભર્યું ન હતું. આજે વાઘોડિયા બેઠક પર ભાજપના ઉમેદવારની કેન્દ્રિયમંત્રી પરસોત્તમ રૂપાલા, સાંસદ રંજન ભટ્ટ, જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી જાહેરસભામાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પન્ના ભટ્ટ, વડોદરા જિલ્લા કોંગ્રેસના મહામંત્રી દિલીપ ભટ્ટ, યોગપાલસિંહ ગોહિલ, વડોદરા તાલુકા કોંગ્રેસના પ્રમુખ સહિત અગ્રણીઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જાેડાયા હતા.