અમદાવાદ,દેવ દિવાળી બાદ લગ્નની સીઝન શરુ થાય છે. તુલસીવિવાહ બાદ શુભ લગ્નોનો પ્રારંભ થશે. નૂતન વર્ષ વિક્રમ સંવંત ૨૦૮૦ માં લગ્નના ૪૪ મુહૂર્તો છે. આ વખતે ગુરુ-શુક્રના અસ્તના કારણે મે મહિનામાં લગ્નના મુહૂર્તો નથી. જયારે ચાલુ નવેમ્બર માસમાં આગામી તા. ૨૭ના લગ્નનું પ્રથમ શુભ મુહૂર્ત છે. ગત વર્ષે લગ્નના ૬૩ શુભ મુહૂર્તો હતા જયારે આ વર્ષે માત્ર ૪૪ શુભ મુહૂર્તો છે. નવેમ્બરમાં તા. ૨૭, ૨૮ તથા ૨૯ના દિવસો લગ્ન માટે શુભ છે. ડિસેમ્બર મહિનામાં તા. ૬, ૭, ૮, ૧૪, ૧૫ શુભ છે. આમ ધનારક કમુહૂર્તા પહેલા લગ્નના આઠ મુહુર્ત છે. તા.૧૬-૧૨ થી ૧૪-૧ સુધી ધનારક કમુહુર્ત હોવાથી આ સમયગાળામાં લગ્ન થઈ શકે નહિં. જાન્યુઆરીમાં તા. ૨૧, ૨૨, ૨૭, ૨૮, ૩૦ તથા ૩૧ આ દિવસો લગ્ન માટે શુભ છે. ફેબ્રુઆરી મહિનામાં તા. ૨,૪,૬,૧૨,૧૭, ૧૮,૧૯,૨૪,૨૬,૨૭,૨૮, તથા તા. ૨૯ લગ્નના શુભ મુહૂર્તો છે. માર્ચ મહિનામાં તા. ૨,૩,૪,૬, ૧૧ તથા તા. ૧૩ના શુભ મુહૂર્તો છે. ત્યારબાદ તા. ૧૪-૩ થી ૧૩-૪ સુધી મીનારક કમુહૂર્તના કારણે લગ્ન થઈ શકે નહી તથા તા. ૧૭-૩ થી ૨૪-૩ સુધી હોળાષ્ટક છે. આમ મીનારક તથા હોળાષ્ટકમાં લગ્ન નિષેધ છે. એપ્રિલ મહિનામાં લગ્નના ચાર મુહુર્તો છે. તા. ૧૮, ૨૧, ૨૬ અને ૨૮ના લગ્ન માટે શુભ દિવસ છે. ત્યારબાદ શુક્ર ગ્રહનો અસ્ત થતા તા. ૧-૫ થી ૨૮-૬ સુધી મુહૂર્ત નથી. જયારે ગુરુ ગ્રહનો અસ્ત તા. ૭-૫ થી ૨ જૂન સુધી છે. આમ ગુરુ તથા શુક્રના અસ્તમાં લગ્ન થઈ શકતા નથી. આથી મે મહિનામાં લગ્નના એક પણ મુહુર્ત નથી. જયારે જૂનમાં લગ્નના બે જ મુહુર્તો છે. તેમણે મહિનાની આખર (તા. ૨૯ તથા ૩૦)માં છે. જુલાઈ મહિનામાં તા. ૯, ૧૧, ૧૨, ૧૩, ૧૪ તથા ૧૫ના મુહુર્તો છે. તા. ૧૭ જુલાઈના દેવશયની એકાદશી છે. દેવશયની એકાદશીના દિવસે દેવતાઓ પોઢી જાય છે. આથી ત્યારબાદ લગ્નના મુહૂર્તો હોતા નથી.