રાજકોટ-

રાજકોટ નજીક ખંઢીરીમાં રૂપિયા ૧૧૯૫ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડીકલ સાયન્સનો માસ્ટર પ્લાનને કેન્દ્રિય આરોગ્ય વિભાગે મંજૂરી આપતા એક વર્ષમાં જ પ્રોજેક્ટ પુરો કરી દેવામાં આવશે તેમ રાજકોટ માટે નિયુક્ત કરવામાં આવેલા ડાયરેક્ટરે જણાવ્યું હતું. જામનગર રોડ ઉપર ખંઢેરી અને પરાપીપળીયાની સરકારી ખરાબાની ૨૦૧ એકર જમીનમાં એઈમ્સ બનાવવામાં આવનાર છે. એમ્સમાં બે હોસ્પિટલ, હોસ્ટેલ, મેડીકલ કોલેજ અને સ્ટાર ક્વાર્ટર બનાવવામાં આવશે. એમ્સમાં ૬ માળના કુલ ૫ ટાવર ઉભા કરવામાં આવશે. એમ્સની ફાયનલ ડિઝાઈનને મંજૂરી આપવામાં આવી છે. અલગ અલગ ૫ બિલ્ડીંગ બાંધવામાં આવશે જેમાં તમામ વિભાગ અલગ કરવામાં આવશે.

એઈમ્સનો પ્રોજેક્ટ એક વર્ષમાં પુરો કરવા માટે કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે અત્યારે ૭૦ ટકા બાઉન્ડ્રી વોલનું કામ પુરું કરી દેવામાં આવ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા ૧૯ લે-આઉટ પ્લાન મુકવામાં આવ્યા છે. તબક્કાવાર તમામ પ્લાનને મંજૂરી આપી દેવામાં આવી છે. બાંધકામ માટે ટેન્ડર પણ આપી દેવામાં આવ્યું છે અને એક વર્ષમાં બિલ્ડિંગ ઉભું કરી દેવામાં આવશે એટલે આગામી વર્ષના અંત સુધીમાં એઈમ્સ કાર્યરત થઈ જવાનો દાવો કરવામાં આવ્યો છે. રાજકોટ એમ્સ માટે કેન્દ્રિય આરોગ્ય વિભાગ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેમાં પ્રોફેસર, ડોક્ટર સહિતનો સમાવેશ થાય છે.

ભરતી માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે અને ૧.૧૬ લાખથી ૧.૬૫ લાખ સુધીનો પગાર પણ નક્કી કરવામાં આવ્યો છે. એઈમ્સના નિર્માણનું કામ પુરજાેશમાં ચાલી રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમુહર્ત કરવાનું પણ ફાઈનલ થઈ ગયું છે સંભવતઃ આગામી મહિને વડાપ્રધાનની રાજકોટ મુલાકાતનો કાર્યક્રમ ગોઠવાય તેવી શક્યતા છે.