માવઠાથી ખેડૂતોની માઠી: કમોસમી વરસાદથી રવિ પાક પલળી ગયો

રાજકોટ-

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં ગઇકાલ બપોરથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને ભરશિયાળામાં માવઠુ વરસતા ખેડૂતોની માઠી બેઠી છે. કાલે મોડી રાત્રીથી સર્વત્ર મેઘાવી માહોલ છવાયો હોય તેમ વરસાદ વરસ્યો હતો અને ભાવનગરમાં સવાર સુધીમાં ૧ ઇંચ વરસાદ પડયો હતો. જ્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છના ૭ જિલ્લામાં કમોસમી વરસાદથી રવિ પાકને ભારે નુકસાન થયું છે. આવા વાતાવરણ વચ્ચે લઘુત્તમ તાપમાનનો પારો સ્થિર છે અને મિશ્ર વાતાવરણનો માહોલ છવાયેલ છે.

હવામાનમાં એકાએક પલટો આવતા રાજયના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. સૌરાષ્ટ્રના ૭ જિલ્લામાં, દક્ષિણ ગુજરાતના ૫ જિલ્લામાં અને મધ્ય ગુજરાતના ૩ જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ નોંધાયો છે. માવઠાએ ખેડૂતોની ઊંધ ઉડાવી દીધી છે. અમદાવાદથી લઈને દક્ષિણ ગુજરાત સુધીના જિલ્લાઓમાં માવઠું પડ્યું છે. ભાવનગર અને બોટાદના ગ્રામ્ય વિસ્તારો, સુરત, દાહોદ, અરવલ્લી, રાજકોટમાં કમોસમી વરસાદ નોંધાયો છે. ત્યારે કમોસમી વરસાદે જગતના તાતની ચિંતા વધારી છે. આજે પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. 

વહેલી સવારથી અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં વરસાદ તૂટી પડ્યો છે. અમદાવાદના શિવરંજની, સેટેલાઈટ, શ્યામલ વિસ્તાર, પ્રહલાદ નગર, એસજી હાઈવે, આનંદ નગર, રામોલ, બાપુનગર, ઘોડાસર, ઓઢવ, નિકોલ, મણિનગર, અમરાઈવાડી, દાણીલીમડા, સાણંદ અને વિરમગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ સવારથી કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. હજુ પણ અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું છે. 


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution