બોડેલી, બોડેલી સહિત આસપાસના વિસ્તારોમાં ગુરુવારે સાંજે વાતાવરણમાં પલટો આવતા બોડેલી તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદીમાહોલ છવાયો હતો. જેને લઈ બોડેલીના બન્ને ગરનાળા પાણી ભરાતા વાહનચાલકો તેમજ લોકો મુશ્કેલીમાં મુકાયા હતા તો બીજી તરફ સીસીઆઈના અધિકારીઓની બેદરકારીના કારણે કપાસના ઢગ પલળી ગયા હતા  

રાજ્યના હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગુરુવારે સાંજે બોડેલી સહિત આસપાસના વિસ્તારોમાં પલટો આવતા બોડેલી, ઢોકલીયા, અલીપુરા સહીત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો જેને લઈ બોડેલીના બંને ગરનાળામાં પાણી ભરાતા વાહનચાલકો તેમજ લોકો મુશ્કેલીમાં મુકાયા હતા તેમજ નીચાણવાળા અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. જાેકે વરસાદ ધીમો પડતા મોટાભાગના વિસ્તારોમાંથી વરસાદી પાણી ઓસરી ગયા હતા. બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા તારીખ ૧૦ અને ૧૧ ના રોજ કમોસમી વરસાદની આગાહી હોય એપી.એમ.સી તેમજ અન્ય જગ્યાએ વરસાદથી ખેતીના માલને નુકશાન ન થાય તે માટે તકેદારી રૂપે લેખિતમાં આદેશ કરવા આવ્યા હતા.  

આમ છતાં અધિકારીઓની બેદરકારીના કારણે બોડેલી ખાતે સીસીઆઇ દ્વારા ખરીદી કરવામાં આવેલ કમ્પાઉન્ડમાં કપાસના ઢગ મુકવામાં આવ્યા હતા જે વરસાદના કારણે પલળી ગયા હતા. જયારે ખેડૂતોના કપાસ પલળી ગયા હોઈ તો સી.સી.આઈના અધિકારીઓ કપાસની ખરીદી કરતાં નથી ત્યારે હવે આ પલળી ગયેલા કપાસનું અધિકારી શું કરશે તે એક પ્રશ્ન છે.