આ જિલ્લામાં મેઘમહેરઃ મધુબેન ડેમની સપાટી 71.60 પર પહોંચી
26, જુલાઈ 2021

વલસાડ-

વલસાડ જિલ્લામાં ગત રોજથી વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના ચેરાપુંજી ગણાતા એવા કપરાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કપરાડા તાલુકાના ૫.૬૦ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ત્યારે જિલ્લામાં આવેલ મધુબન ડેમની સપાટી ૭૧.૬૦ પહોંચી છે. મધુબન ડેમમાં ૪૦૯૯૪ નવા નીરનું આગમન થયું છે, તો મધુબન ડેમમાંથી દર કલાકે ૨૭૬૪૭ જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમના ૫ દરવાજા ૧.૫૦ મીટર ખુલ્લા રાખવામાં આવ્યા છે.

હવામાન વિભાગ દ્વારા આગાહીને લઈને જિલ્લામાં આજરોજ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. સવારના ૬ થી ૧૦ વાગ્યા સુધીના વરસાદની વાત કરીએ તો વલસાડ જિલ્લાના ઉમરગામમાં ૧.૫ ઇંચ, ધરમપુરમાં ૧.૪ ઇંચ, વલસાડમાં ૧.૬ ઇંચ, વાપીમાં ૧ ઇંચ અને પારડીમાં ૧૨ મીમી વરસાદ નોંધાયો છે.વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે વલસાડના મોગરાવાડી ખાતે એક વૃક્ષની વિશાળ ડાળી ધરાશાયી થતા મોગરાવાડીથી નેશનલ હાઈવે ૪૮ તરફ જતો માર્ગ બંધ થઇ ગયો હતો. વૃક્ષની ડાળી વીજ તાર પર પડતા વીજ પ્રવાહ બંધ થયો હતો તો લોકો વૃક્ષ નીચે થી જીવના જાેખમે પસાર થવા મજબુર બન્યા હતા.હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે જિલ્લાનું વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે. તો જિલ્લા કલેકટર દ્વારા અધિકારીઓને પોતાના હેડક્વાર્ટર ન છોડવાની સુચનો આપી દેવામાં આવ્યા છે. જિલ્લામાં એક એનડીઆરએફની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડે તો સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution