અમદાવાદ-

મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના પોઝીટીવ જાહેર થતા છેલ્લા એક સપ્તાહમાં તેમને જે જે વ્યકિતઓ મળ્યા છે તે તમામને કોરોના ટેસ્ટ કરી લેવાની સલાહ આપી છે. મુખ્યમંત્રી હાલમાં ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડમાં હાજર હતા તેથી બોર્ડના 11 સભ્યો પણ કોરોના ટેસ્ટ કરાવશે ઉપરાંત રાજય સરકારના મંત્રીઓ કે જે વારંવાર મુખ્યમંત્રીને મળતા હોય છે તે પણ કોરોના ટેસ્ટ કરાવશે અને મુખ્યમંત્રીના અંગત સ્ટાફને પણ ટેસ્ટ કરાવી સલાહ આપવામાં આવી છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની ગઈકાલે રાત્રે વડોદરાના નિઝામપુરામાં એક જનસભા દરમિયાન ચક્કર આવવાને કારણે તબિયત લથડતાં તેમને તાત્કાલિક અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન આજે તેમનો કોરોના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવતાં તે નેગેટિવ આવ્યો હતો જેથી તેમનો આરટી-પીસીઆર ટેસ્ટ કરાયો હતો જે પોઝિટીવ આવતાં તેમને કોરોના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની તબિયત સ્થિર હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું. બીજી બાજુ રૂપાણીની તબિયત બગડતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતની કેન્દ્રીય નેતાગીરીએ વિજય સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.