ગાંધીનગર-

રાજ્યમાં આગામી 21 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી આગામી પાંચ દિવસ સુધી પંચમહાલ, મહિસાગર, ભરૂચ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી.આણંદ, ભાવનગર, સુરત, વડોદરા નર્મદા, નવસારી અને તાપીમાં ભારે વરસાદ થઈ શકે છે. ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં 23.69 ઈંચ સાથે મોસમનો સરેરાશ 71.63 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ગુજરાતમાં હજુ પણ 20 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે.

રાજયમાં છેલ્લા ચાર દિવસ પડેલા ભારે વરસાદને પગલે ગુજરાતના અનેક જિલ્લા હજુ પણ અસરગ્રસ્ત છે. રાજ્યમાં 8 સ્ટેટ હાઇવે, 77 પંચાયત, 4 અન્ય સહિત કુલ 89 માર્ગ હજુ પણ બંધ છે. આ ઉપરાંત રાજ્યમાં 23 ગામોમાં હજી વિજપુરવઠો પૂર્વવત નથી થયો. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાંથી રેડ એલર્ટની આગાહી દૂર કરી હતી. જેમાં રાજકોટ, જૂનાગઢ, વલસાડમાંથી રેડ એલર્ટ હટ્યું છે. ઓડિસા તરફથી આવતી વરસાદી સિસ્ટમ ફંટાઇ જતા સંકટ ટળ્યું હોવાનું અનુમાન છે. તેમ છતાં આગામી ત્રણ દિવસ દરમિયાન કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.