મનપાની ખજાેદ ડિસ્પોઝલ સાઇટ ખાતે મીથેન ગેસ ડીટેક્શન સિસ્ટમ અને ઇન્ફ્રારેડ થર્મોમીટર લગાવાશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, એપ્રીલ 2026  |   સુરત   |   2079

સુરત શહેરમાંથી દરરોજ જનરેટ થતો હજારો મેટ્રિક ટન કચરાનો જ્યાં સંગ્રહ અને પ્રોસેસિંગ થાય છે તે ખજોદ ડિસ્પોઝલ સાઇટ ખાતે વારંવાર આગનાં બનતાં બનાવોને પગલે થઇ રહેલાં આક્ષેપોને ધ્યાનમાં રાખી ડિસ્પોઝલ સાઇટ ખાતે મીથેન ગેસ ડીટેક્શન સીસ્ટમ અને ઇન્ફ્રારેડ થર્મોમીટર લગાવવાનો મહાનગર પાલિકાનાં સત્તાધીશોએ ર્નિણય લીધો છે. લાખો મેટ્રિક ટન કચરાનું પ્રોસેસિંગ કરીને નિકાલ કરવાનો ઇજારો ધરાવતાં સી.ડી.ટ્રાન્સ્પોર્ટ કંપની તેમજ મહાનગર પાલિકાનાં અધિકારીઓ આગ લાગવા માટે કાયમ મીથેન ગેસનું કારણ આગળ ધરતાં હોય છે

ત્યારે ખરેખર મીથેન ગેસને કારણે આગ લાગે છે કે નહીં તે જાણવા માટે મીથેન ગેસ ડીટેક્શન સીસ્ટમ ઇન્સ્ટોલ કરવાનો જ્યારે આગ લાગે તે પહેલાં જ ઇન્ડિકેશન મળી શકે તે માટે ઇન્ફ્રારેડ થર્મોમીટર લગાવવાનો ર્નિણય લેવામાં આવ્યો હોવાનું ડેપ્યુટી કમિશનર દિનેશ ગુરવે જણાવ્યું હતું. મીડિયમ ટર્મ પ્લાનનાં ભાગરૂપે આ એડવાન્સ ટેકનોલોજી અપનાવવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સમગ્ર ખજોદ ડિસ્પોઝલ સાઇટ વિસ્તારમાં સીસીટીવી કેમેરાનું નેટવર્ક ઉભું કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે જેનાં લાઇવ ફીડ મહાનગર પાલિકાનાં આઇસીસીસી ખાતે જોઇને મોનિટરિંગ કરી શકાશે તેમ ડેપ્યુટી કમિશનર ગુરવે ઉમેર્યું હતું.

ખજોદ ડિસ્પોઝલ સાઇટ ખાતે તાજેતરમાં જ ફાટી નીકળેલી આગ પછી મહાનગર પાલિકાનાં સત્તાધીશોએ સાઇટ ખાતે કચરાનો કેટલો ઢગલો પડી રહ્યો છે તે જાણવા માટે એસવીએનઆઇટીનાં નિષ્ણાંતોને કામ સોંપ્યું હતું. ખજોદ ડિસ્પોઝલ સાઇટની મુલાકાત લીધા પછી સાયન્ટિફિક ધોરણે તપાસ કર્યા બાદ સાઇટ ખાતે સાત લાખ જેટલો કચરો પડ્યો હોવાનો રીપોર્ટ એસવીએનઆઇટીનાં નિષ્ણાંતોએ આપ્યો હતો. મહાનગર પાલિકાનાં અધિકારીઓએ પણ આગ લાગ્યા પહેલાં ડ્રોન કેમેરાથી લીધેલી તસવીરો અને આગ લાગ્યા પછી લીધેલી તસવીરોને આધારે જ સી.ડી.કોન્ટ્રાક્ટરને ચૂકવણું કરવાનો ર્નિણય લીધો છે.

બે મહિનાનાં સમયગાળાની અંદર બીજીવખત આગ લાગી ત્યારપછી જીપીસીબીની ટીમે ફરી ખજોદ ડિસ્પોઝલ સાઇટની મુલાકાત લઇ રીપોર્ટ ગાંધીનગર સ્થિત વડી કચેરીએ મોકલી આપ્યો છે. ડિસ્પોઝલ સાઇટ ખાતે સુધારાત્મક પગલાં લેવાની સુચના જીપીસીબીનાં અધિકારીઓએ આપતાં સુરત મહાનગર પાલિકાનાં સત્તાધીશોએ ઇનર્ટ, નોર્મલ અને પ્રોસેસ કરેલો કચરો એમ ત્રણ કેટેગરીમાં કચરાને જુદો રાખવા કોન્ટ્રાક્ટરને આદેશ આપ્યો છે. બે પ્રકારનાં કચરાનાં ઢગલાં વચ્ચે રસ્તો બનાવવો જેથી ટ્રક, ફાયર ટેન્ડર સરળતાથી જઇ શકે તેમજ નકામા કચરા ઉપર માટી નાંખીને કવર કરવાની સુચના પણ ઇજારદારને આપી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution