24, જાન્યુઆરી 2025
792 |
માંડવી, સુરતની ભૂસ્તર ફ્લાઇંગ સ્ક્વોડની ત્વરિત અને અસરકારક કાર્યવાહી દ્વારા દક્ષિણ ગુજરાતના ખનીજ ચોરીમાં સંડોવાયેલા તત્વો પર કડક લગામ કસી છે. દક્ષિણ ગુજરાતના નવ જિલ્લાઓમાં કાર્યરત જિલ્લા ભૂસ્તર કચેરીઓની નિષ્ક્રિયતા વચ્ચે ખનીજ ચોરીના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે સુરતની ભૂસ્તર ફ્લાઇંગ સ્ક્વોડની તાપી જિલ્લાના નિઝર તાલુકામાં એક પછી એક કડક તપાસ અને કાર્યવાહીને પગલે ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. મળતી માહિતી મુજબ આજે સુરત ભૂસ્તર ફ્લાઇંગ સ્ક્વોડના વડા દિનેશ પવાયાની સૂચનાથી, રોયલ્ટી ઇન્સ્પેક્ટર હિતેશ જે. પટેલ, માઇન્સ સુપરવાઇઝર વિજય વસાવા અને તેમના ફીલ્ડ સ્ટાફે તાપી જિલ્લાના વ્યાવલ ગામ ખાતે મહત્ત્વપૂર્ણ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, લીઝધારક અરવિંદ સોલંકી મંજૂર થયેલા વિસ્તાર સિવાયના અન્ય વિસ્તારોમાંથી ગેરકાયદે રેતી ખનન કરતા ઝડપાયો હતો. તપાસ દરમિયાન કુલ ૧૮ યાત્રિક નાવડીઓ, ૬ એક્સકેવેટર મશીન અને ૮ ડમ્પર મળી આવ્યા હતા. જે ગેરકાયદે રીતે રેતી ખનન અને વહન માટે ઉપયોગમાં લેવાઈ રહ્યા હતા. ફ્લાઇંગ સ્ક્વોર્ડની ટીમે સ્થળ પરથી ૪ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કિસ્સામાં આરોપી લીઝધારક વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે અને નિયમોનુસાર લીઝ રદ્દ કરવાની તેમજ દંડની કાર્યવાહી પણ હાથ ધરાશે. સુરતની ટીમે દક્ષિણ ગુજરાતમાં ખનીજ ચોરીના શરમજનક કિસ્સાઓનો પર્દાફાશ કર્યો છે.
સ્થાનિય કચેરીઓએ આંખ આડા કાન કરતા માફિયાઓ મજબૂત બન્યા હતા
દક્ષિણ ગુજરાતમાં અનેક ભૂસ્તર કચેરીઓ હોવા છતાં, ખનીજ ચોરી ખુલ્લેઆમ ચાલી રહી હતી. અનેક વિસ્તારોમાં ભૂસ્તર કચેરીઓએ આ બાબતે આંખ આડા કાન કરતા રેતી અને અન્ય ખનીજોના ગેરકાયદે ખનન અને વેચાણના કિસ્સાઓમાં વધારો જોવા મળ્યો હતો. સ્થાનીય પ્રસાશન અને તંત્રની નિષ્ક્રિયતાને કારણે ખનીજ ચોરીના માફિયા મજબૂત બન્યા હતા. પરંતુ, સુરતની ફ્લાઇંગ સ્ક્વોર્ડે પોતાની કડક કામગીરીથી આ માફિયાઓ સામે મોટી કાર્યવાહી કરી છે, જે હવે દક્ષિણ ગુજરાતના પ્રજાજનો અને કાયદા વહિવટકારો માટે પ્રેરણારૂપ બની છે.