ગાંધીનગર-

રાજકીય સુત્રો પાસેથા મળતી માહિતી પ્રમાણે સ્વર્ણિમ સંકુલ-1 અને સ્વર્ણિમ સંકુલમાં જૂના પ્રધાનોની ઓફિસ હજુ પણ સંપૂર્ણ રીતે ખાલી થઈ નથી જ્યારે જૂના પ્રધાનોના કર્મચારીઓ દ્વારા સ્વર્ણિમ સંકુલ 1 અને 2માં જૂના પ્રધાનોની ઓફિસ ખાલી કરવાની કામગીરી છેલ્લા બે દિવસથી ચાલુ છે. ત્યારે નવા પ્રધાનો સોમવારે ઓફિસે સંપૂર્ણપણે ખાલી થઈ જાય અને GAD દ્વારા તમામ પ્રધાનો અને ઓફિસની ફાળવણી થઈ ગયા પછી જ ઓફિસનો ચાર્જ સંભાળશે. ઉલ્લેખનીય છે કે હજુ સુધી જૂના પ્રધાનોની નેમ પ્લેટ પણ કાઢવામાં આવી નથી જેને લઇને અત્યારે તમામ પ્રકારની કામગીરી તાબડતોબ હાથ ધરવામાં આવી છે અને મળતી માહિતી પ્રમાણે શનિવાર સુધીમાં સ્વર્ણિમ સંકુલ 1 અને 2 માં જૂના તમામ પ્રધાનોના નામ હટાવીને નવા પ્રધાનોના નામની પ્લેટ મુકવામાં આવશે ત્યારબાદ જ પત્રકારોને પણ પ્રવેશ માટેની મંજૂરી આપવામાં આવશે. ગુજરાતના નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની સરકારમાં નો રીપીટ થિયરીનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ત્યારે નવા પ્રધાનોના પીએ,પીએસ તરીકે જૂના અધિકારીઓને પણ ફરીથી રીપીટ નહીં કરાય તેવી વાતો સામે આવી છે આમ નવા કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાનના પીએ,પીએસ તરીકે નવા જ અધિકારીઓની નિમણૂક કરવાની રહેશે.