19, નવેમ્બર 2020
198 |
મોડાસા-
અરવલ્લી જિલ્લાના મોડાસાના એપીએમસી માર્કેટ યાર્ડમાં ગુરૂવારે લાભપાંચમના દિવસે ખેત પેદાશની હરાજીના શ્રીગણેશ કરવામાં આવ્યાં હતાં. જેમાં વેપારીઓએ ખેડૂતો દ્વારા વેચવા લાવવામાં આવેલી મગફળી ખરીદી હતી. ગુરૂવારના રોજ મગફળીનો સરેરાશ ભાવ એક મણ દીઠ રૂપિયા 950થી 1050 સુધી રહ્યો હતો. નોંધનીય છે કે, મગફળી માટે સરકારે જાહેર કરેલ ટેકાનો ભાવ રૂપિયા 1055 છે. અરવલ્લીમાં ચાલુ વર્ષે 75 હજાર હેકટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. જેની સામે 20,000 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જોકે ખુલ્લાં બજારમાં ઉંચા ભાવ મળી રહેતાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે ખેડૂતોનો ઘસારો ઓછો છે. દર વર્ષે મગફળીની ખરીદી ફક્ત એપીએમસી અને સરકારી ટેકાના ભાવ પ્રમાણે કરાવવાના મુદ્દે ખેડૂતો અને વેપારીઓ વચ્ચે ઘર્ષણનો માહોલ રહેતો હતો, પરંતુ સરકારે આ વર્ષે ખેડૂતોને પોતાની ખેતપેદાશો દેશભરમાં તેઓ ઇચ્છે ત્યાં વેચી શકવાની છૂટ આપતાં પરિસ્થિતિ બદલાઈ છે.