23, ઓગ્સ્ટ 2020
1980 |
વડોદરા : જમીન-મિલકત, વાસ્તુ, કોર્ટ કેસમાં જીત અને ગ્રહોનું નડતર જેવી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવાની લાલચ આપીને લોકો સાથે ઠગાઇ કરતા ૨ ભેજાબાજ તાંત્રિકોનો વડોદરા શહેર એસઓજીની ટીમે પર્દાફાશ કર્યો છે. આ ઠગ ભેજાબાજોએ છાણીના એક વ્યક્તિ પાસેથી મિલકતના ઝઘડામાં જીત અપાવવાના નામે રૂપિયા ૧૭.૪૦ લાખ પડાવ્યા હતા.
શહેરમાં ઈનોવા કારમાં વૈષ્ણવ ભક્તો અને મહારાજના સ્વાંગમાં ફરતી ઠગ ટોળકીએ ગઈ કાલે નિઝામપુરા વિસ્તારમાં બે મકાનોમાં ઠગાઈનો પ્રયાસ કર્યો હતો પરંતું સોસાયટીના પ્રમુખની સતર્કતાથી ટોળકી કારમાં ફરાર થઈ હતી જેનો એક માત્ર ‘લોકસત્તા’ માં અહેવાલ પ્રસિધ્ધ થતા શહેર પોલીસની વિવિધ એજન્સીઓએ ઠગ ઠોળકીની ઘનિષ્ટ તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન એસઓજી પોલીસના કોન્સ્ટેબલ અશોક કલ્લાપાનાને માહિતી મળી હતી કે વિધિ કરવાના નામે ઠગાઇ કરતી ટોળકી જેતલપુર ગરનાળા પાસે ફરી રહી છે. આ વિગતોના પગલે એસઓજીની ટીમે વિનોદ બાબુ જાની (નાના જાદરાગામ, મહુવા, ભાવનગર) અને રવિ બાબુ જાેષી (બગદાણા, મહુવા, ભાવનગર)ને ઈનોવા કારમાં ઝડપી પાડી તેઓની પાસેથી ૧૦ યંત્રો, કર્મકાંડની સાધનસામગ્રી અને ઈનોવા કાર મળીને કુલ ૧૦,૧૦,૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, છાણી જકાતનાકા પાસે રહેતા અરવિંદભાઇ પટેલને કૌટુંબિક મિલકત માટે ઝઘડા ચાલતા હતા. ૨૦ દિવસ પહેલા ભેજાબાજ વિનોદ જાની અને રવિ જોષીએ અરવિંદભાઇ પટેલને મિલકતના કેસમાં જીત અપાવવાનો વિશ્વાસ અપાવ્યો હતો. પરંતુ, તેના માટે અનુષ્ઠાન અને જાપ કરવા પડશે, તેમ જણાવી ૧૭,૪૦,૦૦૦ રૂપિયા પડાવ્યા હતા. ત્યારબાદ તેઓ આજે વડોદરામાં બીજા એક વ્યક્તિની વિધિ માટે આવતા તેઓ ર્જીંય્ના છટકામાં ઝડપાઇ ગયા હતા. પ્રાથમિક પુછપરછમાં બંને ગઢિયાઓએ કબુલાત કરી હતીકે તેઓ જમીન કૈાટુંબીક તકરારો ચાલતી હોઈ તેવા જરૂરિયાતમંદોને નિશાન બનાવતા હતા તેમજ સિધ્ધ કરેલા રક્ષા યંત્ર આપીને નાણાં પડાવતા હતા. તેઓએ વીસેક દિવસ પહેલા જ છાણીના એક પટેલ પરિવારમાં કૈાટુંબીક મિલકતના ઝઘડામાં જીત થશે તેવી લાલચ આપીને ૧૭.૪૦ લાખ ખંખેર્યા હોવાનું જણાવ્યું હતું. આ ટોળકી ક્યારે તાંત્રિક વિધ તો ક્યારેક વૈષ્ણવ મહારાજના સ્વાંગમાં ઠગાઈ માટે ફરતી હતી. આ ટોળકીનો ભોગ બનેલા ચારથી પાંચ રહીશો પણ ફરિયાદ માટે આગળ આવ્યા હોવાની વિગતો મળી છે.