ગટરનાં નવાં ઢાંકણાં નાંખવાને કારણે અથવા સાફસફાઈના કારણે ગટરમાંથી બહાર કઢાયેલી ગંદકી-માટીના આવા ઢગલાઓ ગટરની બાજુમાં પડેલા ઠેર-ઠેર જાેવા મળે છે. આ તસવીર રેસકોર્સ સર્કલ પાસેની છે. પાલિકાના તમામ કોર્પોરેટરો સહિતની ચૂંટાયેલી પાંખ અને સંગઠનના નેતાઓ આંતરિક જૂથબંધીથી ટાંટિયાખેંચમાં વ્યસ્ત છે તથા ‘સ્માર્ટ સિટી’ના કરોડોના વિકાસના કામોના નામે ટેન્ડરો બહાર પાડી જંગી કટકી કાઢવામાં સક્રિય છે. તેથી ભરચક જાહેર માર્ગ પર સામાન્ય પ્રજાને અડચણરૂપ બની રહેલા આવા ગંદકીના ઢગલાઓ બેદરકારીપૂર્વક છોડી દેનાર ‘ઈજારદારો’ને નોટિસ આપવાની વાત તો દૂર, એને ‘વિનંતી’ના સૂરમાં એને શહેરભરના આવા તમામ ઢગલાઓ તાત્કાલિક દૂર કરવાનું કહેતાં શબ્દો ખિસ્સું ગરમ કરી લેનારાઓના સિવાયેલા મોઢામાંથી નીકળતા નથી. આ શહેર પર ચૂંટાયેલી પાંખના તોડબાજ કોર્પોરેટરો-હોદ્દેદારો અને સંગઠનના ‘વહીવટદારો’ રાજ કરે છે એનાથી વધુ તો ઈજારદારો રાજ કરે છે. કારણ કે, પાલિકા દ્વારા હાથ ધરાતા એકેએક કામના તમામે-તમામ ઈજારદારો ઉપરોક્ત તમામના ચરણોમાં આવા જ ઢગલા ખડકીને કમાણી કરે છે. અલબત્ત, આ ઢગલા માટીના નહીં, ‘ગાંધીછાપ’ નોટોની થપ્પીઓના હોય છે. આથી જ હવે પ્રજાએ પોતે જ પોતાની આવી અડચણ દૂર કરવા પોતાના તરફથી ‘ઈજારો આપવાનો છે’ એવી ઝુંબેશ કરવી પડે એવા દિવસો આવી ગયા છે.