ભરૂચ-

ભરૂચ અને નર્મદા જિલ્લામાં ખાતરની અછતને લઇ સાંસદ મનસુખ વસાવા એક્શનમાં આવ્યા છે અને કેન્દ્રીય રસાયણ પ્રધાનને પત્ર પણ લખ્યો છે. તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, આ બે જિલ્લામાં ખાતરની અછત છે જેના કારણે ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે. ખેડૂતોએ ખાતર માટે કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવાનો વારો આવે છે. તેમાં પણ ખાસ કરીને યુરિયા ખાતર તો મળી જ નથી રહયું. આ અંગેની અનેકવાર ફરિયાદો પણ મળી આવી છે. તેથી મનસુખ વસાવાએ કેન્દ્રીય રસાયણ પ્રધાનને પત્ર લખીને માગ કરી છે કે, ખેડૂતોની સમસ્યા દૂર કરવા માટે યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે.

ભરૂચ જિલ્લામાં તો ખાસ ખેડૂતોને ખાતર ન મળતા હાલાકી થઇ રહી છે. ખાતર ડેપો ઉપર યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ન ફાળવાતા ખાતર માટે મંડળીઓ ઉપર ખેડૂતોની લાંબી કતાર થઇ જાય છે. કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા છતાં પણ ઘણીવાર તો ખાતર મળતું નથી. ૬૦થી ૭૦ ટકા બિનપિયત ખેતી ખેતીલાયક વરસાદથી સારી થવાની આશા છે પરંતુ છોડ માટે જરૂરી પોષણ એવું ખાતર ન મળવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે. એટલું જ નહિં જરૂરી પોષણ નહીં મળે તો પાકને નુકસાન થશે તેવું નિષ્ણાતો કહી રહ્યા છે.