21, જુલાઈ 2025
3564 |
મુંબઈ, બોમ્બે હાઈકોર્ટે સોમવારે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો અને ૨૦૦૬માં મુંબઈ લોકલ ટ્રેનોમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોના તમામ ૧૨ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. કોર્ટે કહ્યું કે ફરિયાદ પક્ષ વિશ્વસનીય અને નક્કર પુરાવા સાથે પોતાના આરોપો સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે. આ ર્નિણય એ કેસને સંપૂર્ણપણે ઉલટાવે છે જેમાં નીચલી અદાલતે બધાને દોષિત ઠેરવ્યા હતા.
બોમ્બે હાઈકોર્ટે ૧૧ જૂલાઈ ૨૦૦૬ના રોજ થયેલા ભયાનક મુંબઈ લોકલ ટ્રેન વિસ્ફોટના કેસમાં સોમવારે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. આ કેસમાં નીચલી અદાલત દ્વારા દોષિત ઠેરવવામાં આવેલા ૧૨ આરોપીઓમાંથી ૧૧ને હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. એક આરોપીનું અપીલ પ્રક્રિયા દરમિયાન મૃત્યુ થયું હતું. ૧૯ વર્ષની લાંબી કાનૂની લડાઈ બાદ આ ચુકાદો આવ્યો છે.
હાઈકોર્ટની સ્પેશ્યલ બેન્ચે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે કેસમાં રજૂ કરાયેલા પુરાવા વિશ્વસનીય નહોતા અને ઘણા સાક્ષીઓની જુબાની શંકાના દાયરામાં હતી. કોર્ટે એ પણ સ્વીકાર્યું હતું કે આરોપીઓની બળજબરીથી પૂછપરછ કરવામાં આવી હતી અને તેમના નિવેદનો લેવામાં આવ્યા હતા, જે કાયદેસર રીતે માન્ય નથી.જસ્ટિસ અનિલ કિલોર અને જસ્ટિસ એસ.જી. ચાંડકની ડિવિઝન બેન્ચ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો હતો. આ કેસમાં કુલ ૧૨ આરોપીઓને નીચલી અદાલત દ્વારા અગાઉ દોષિત ઠેરવવામાં આવ્યા હતા જેમાંથી ૫ને મૃત્યુદંડ અને ૭ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જાેકે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન ૧૧ દોષિતોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે એક આરોપીનું મૃત્યુ થઈ ચૂક્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કેસની અંતિમ સુનાવણી આ વર્ષે જાન્યુઆરીમાં પૂર્ણ થઈ હતી ત્યારબાદ ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. દોષિતોએ યરવડા, નાસિક, અમરાવતી અને નાગપુર જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજરી નોંધાવી હતી. ન્યાયાલયે કહ્યુ- સાક્ષી, તપાસ અને પૂરાવા પૂરતા નહોતા. આરોપી તે સાબિત કરવામાં સફળ રહ્યાં કે તેની પાસે જબરદસ્તીથી કબૂલાત કરાવવામાં આવી. ન્યાયાધીશે કહ્યું- અમે અમારૂ કર્તવ્ય નિભાવ્યું છે.