એન્ટિલિયા કેસમાં વાઝેને ફરજમાંથી રુખસદ આપવા મુંબઈ પોલીસની હિલચાલ, પછી શું થશે
14, એપ્રીલ 2021 594   |  

મુંબઈ-

મસમોટા તોડ કરવાના અનેક કિસ્સામાં સંડોવણી બહાર આવ્યા બાદ આખરે મુંબઈ પોલીસના બદનામ અધિકારી સચિન વાઝેને સર્વિસમાંથી ડિસમિસ કરવાની પ્રક્રિયા શરુ કરી દેવાઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મુંબઈ પોલીસે આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર સચિન વાઝેને એનઆઈએના રિપોર્ટ બાદ નોકરીમાંથી રુખસદ આપવાની પ્રક્રિયા આરંભી દીધી છે. એનઆઈએએ પોતાના રિપોર્ટમાં સચિન વાઝે બહુચર્ચિત એન્ટિલિયા કેસમાં સંડોવણી ધરાવતો હોવાનું જણાવાયું છે. એટલું જ નહીં, જે સ્કોર્પિયોમાં વિસ્ફોટકો મૂકાયા હતા તેના માલિકની હત્યામાં પણ વાઝેનો હાથ હોવાનો પણ એનઆઈએએ દાવો કર્યો છે.

મુંબઈ પોલીસે કલમ ૩૧૧ (૨) હેઠળ વાઝે સામે કાર્યવાહી શરુ કરી છે. આ કલમ હેઠળ રાજ્ય કે કેન્દ્ર સરકારના કર્મચારીને નોકરીમાંથી બરતરફ કરવા ઉપરાંત, તેમને નીચલી પાયરી પર ઉતારવામાં પણ આવે છે. આ આર્ટિકલ અનુસાર, જનહિતને ધ્યાનમાં રાખતા કોઈપણ અધિકારીને નોકરીમાંથી બરતરફ કરી શકાય છે. વળી, તેમાં ખાતાકીય તપાસ કરવાની પણ આવશ્યકતા નથી.

સામાન્ય કિસ્સામાં કોઈપણ અધિકારીને ડિસમિસ કરતાં પહેલા તેના વિરુદ્ધ ખાતાકીય તપાસ કરવામાં આવે છે. જેમાં તેની સામે લાગેલા આરોપમાં તથ્ય જણાઈ આવે તો તેને ડિસમિસ કરવામાં આવે છે. જાેકે, કેટલાક કેસમાં જાે આરોપી અધિકારી સામે ગવાહી આપવામાં કોઈ સાક્ષીને જીવનું જાેખમ હોય તો તેવા કિસ્સામાં અધિકારીને ખાતાકીય તપાસ વિના પણ ડિસમિસ કરી શકાય છે તેમ એડવોકેટ અરવિંદ બંડીવાડેકરે જણાવ્યું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution