વડોદરા, તા.૭ 

ફતેગંજ પોલીસ મથકનો કસ્ટોડિયલ ડેથ લાગતા મામલામાં અંતે પીઆઈ અને પીએસઆઈ સહિત અન્ય ચાર પોલીસ જવાનો સામે હત્યાનો ગુનો નોંધાયો છે. યુ.પી., બિહારને પણ ભૂલાવી દે એવી આ ઘટનામાં પોલીસ મથકે લવાયેલા નિર્દોષ ૬૫ વર્ષીય શેખ બાબુને પૂછપરછ દરમિયાન અસહ્ય અને મરણતોલ માર મરાતાં પોલીસ મથકમાં જ એમનું મોત થયું હતું અને રીઢા ગુનેગારોની જેમ પોલીસવાળાઓએ જ મૃતદેહને સગેવગે કરી નાખ્યો હોવાનું ખુદ એસીપીની તપાસમાં બહાર આવતાં ૬ સામે હત્યાનો ગુનો નોંધાયો છે. તા.૧૦મી ડિસેમ્બરે અમદાવાદથી વડોદરા ટ્રેન મારફતે આવેલા શેખ બાબુ નિશાર અને તેમના જમાઈ ઈબ્રાહિમખાન પઠાણ સ્ટેશને ઉતરી એસ.ટી. ડેપોની બાજુમાં નાસ્તો કર્યા બાદ ત્રણ કલાક બાદ ફરી આ જ સ્થળે મળવાનું કહી છૂટા પડવા જતા હતા, તે દરમિયાન ફતેગંજ પોલીસના જવાનો શેખ બાબુને પૂછપરછ માટે પોલીસ મથકે લઈ ગયા હતા. ત્યાર બાદ એ ગુમ થઈ જતાં જમાઈ ઈબ્રાહિમે આ અંગે સાળા સલીમને જાણ કરી એમને શોધવાનો પ્રયત્ન કર્યો હતો, તેમ છતાં નહીં મળતાં બીજા દિવસે તેલંગાણા રાજ્યથી એમનો પુત્ર સલીમ આવી પહોંચ્યો હતો. 

સયાજીગંજ પોલીસ મથકે જતાં ફરિયાદ નોંધી ન હતી. ફતેગંજ પોલીસે લાવ્યા નહીં હોવાનું જણાવતાં અંતે સીસીટીવી ફુટેજ મેળવતાં સયાજીગંજ ખાતે ગુમ થવાની ફરિયાદ નોંધી હતી. ત્યાર બાદ એસીપીએ તપાસ સંભાળી હતી. બીજી તરફ લાંબા સમય સુધી પિતા બાબુ શેખનો પત્તો નહીં મળતાં પુત્રે હાઈકોર્ટમાં હેબિયર્સ કોપર્સ નોંધાવતાં વડીઅદાલતે આકરું વલણ દાખવી વડોદરા પોલીસને તપાસના કાગળો અને સીસીટીવીના ફુટેજા લઈને તા.૭મી જુલાઈએ હાજર રહેવા જણાવતાં એના એક દિવસ પહેલાં જ તા.૬ના રોજ પીઆઈ, પીએસઆઈ સહિત ૬ સામે હત્યાનો ગુનો દાખલ કરાયો હતો.તપાસ કરનાર એસીપી એસ.જી.પાટીલે જ ખુદ નોંધાવેલી એફઆઈઆરમાં ફતેગંજ પોલીસના પીઆઈ, પીએસઆઈ અને ચાર પોલીસ જવાનોએ કરેલા કરતૂતો બદલ ઈપીકો કલમ નં.૩૦૪, ૨૦૧, ૨૦૩, ૨૦૪ ૩૪ મુજબ ગુનો નોંધાયો છે. પોલીસની એફઆઈઆરમાં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે ચોરીની શંકાના આધારે શેખ બાબુ નિશારને પીએસઆઈ દશરથ રબારી, કોન્સ્ટેબલ પંકજ, યોગેન્દ્રસિંહ, રાજેશ, હિતેશ અને પીઆઈ ડી.બી.ગોહિલને પકડી લાવ્યા હતા. બાદમાં પોલીસ મથકના જ કોમ્પ્યૂટર રૂમમાં ખુરશી સાથે બાંધી ગુનાની કબૂલાત કરાવવા લાંબા સમય સુધી શારીરિક યાતના આપી લોહીલુહાણ કરી તેનું સાપરાધ મોત નીપજાવ્યું હતું અને મૃતદેહને સગેવગે કરી પુરાવાઓનો નાશ કર્યો હતો. બાદમાં પોલીસ મથકે ગુનાની ફરિયાદ માટે સતીષભાઈ ઠક્કરની વાળી કોમ્પ્યૂટર પ્રિન્ટેડ પેપર કઘોપી અને ફરિયાદની સોફટ કોપી ડિલીટ કરી હતી. પીએસઆઈ રબારીએ શેખ બાબુને પોલીસ મથકમાંથી બહાર જવા દીધો નહીં હોવા છતાં ગુનાહિત કૃત્ય છૂપાવવા જવા દીધો હોવાની ખોટી માહિતી આપી નોંધ કરાવી શેખ બાબુએ આપેલું નિવેદન ગુમ કરી દીધું હોવાના કરતૂતો એફઆઈઆરમાં દર્શાવાયા છે. આમ રીઢા ગુનેગારોને પણ શરમાવે એવા કૃત્યો ફતેગંજના પીઆઈ, પીએસઆઈ સહિત અન્ય ચાર પોલીસ કર્મચારીઓ ડર્યા હોવાથી એમની સામે હત્યાનો ગુનો નોંધાયો છે, જે વડોદરા પોલીસ માટે શરમજનક હોવાનું માનવામાં આવે છે.

મામલામાં કેમ આવું ન થયું? 

હત્યાના આરોપી ફતેગંજ પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ, પોલીસ કર્મચારીઓને પકડવાના હજુ બાકી છે, એ ઝડપાશે ત્યાર બાદ હજુ ચોંકાવનારી હકીકતો બહાર આવશે. જા કે, આરોપીઓને ભાગવાની તક અપાઈ હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. સામાન્ય રીતે ગુનો નોંધતાં અગાઉ જવાબ કે નિવેદનના બહાને આરોપીને પોલીસ મથકે બોલાવીને બેસાડી દીધા બાદ એફઆઈઆર નોંધાય છે. ત્યારે આ મામલામાં કેમ આવું ન થયું? એવા સવાલો ઉપસ્થિત થયા છે.

પુરાવાઓ મળવા મુશ્કેલ : નિષ્ણાતો

તા.૧૦મી ડિસેમ્બરે શેખ બાબુને ફતેગંજ પોલીસ મથકે લાવી એ જ દિવસે હત્યા કરી દેવાઈ હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ એફઆઈઆરમાં છે. ત્યારે પીઆઈ, પીએસઆઈ, ચાર પોલીસ જવાનો ઝડપાયા નહીં હોવાથી શેખ બાબુનો મૃતદેહ ક્યાં અને કેવી રીતે સગેવગે કરાયો એ જાણી શકાયું નથી. જા મૃતદેહ દાટી દેવાયો હોય તો એને પાછો બહાર કાઢી પોસ્ટ મોર્ટમ કરાશે પરંતુ જા બાળી દેવાયો હશે તો આટલો લાંબો સમય વીતી ગયો હોવાથી એ અંગેના પુરાવાઓ મળવા મુશ્કેલ હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું છે.