અટલ બ્રિજ પર બાઇકચાલકનું ભેદી મોત! હિટ એન્ડ રન કે અકસ્માત? ઝ્રઝ્ર્‌ફના અભાવે રહસ્ય‘અટલ’

વડોદરા, તા. ૧

રાજયના સૈાથી લાંબા ફ્લાયઓવર બ્રિજમાં સ્થાન પામેલા વડોદરાના અટલ બ્રિજ પરથી ગત રાત્રે ઓફિસથી છુટીને ઘરે જઈ રહેલા બાઈકચાલકને ભેદી સંજાેગોમાં અકસ્માત નડતા તેનું ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યું હતું. જાેકે, આ દુર્ઘટનાને નજરે જાેનાર કોઈ વાહનચાલક કે અટલ બ્રિજ પર સીસીટીવી કેમેરા ન હોઈ આ બનાવ ખરેખરમાં હિટ એન્ડ રનનો કે અકસ્માતનો છે ? તે અંગે તંત્ર અંધારામાં રહેતા સમગ્ર બનાવનું રહસ્ય અટલ રહ્યું છે.

શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી રેસકોર્સ સોસાયટીમાં પત્ની સાથે રહેતા ૪૭ વર્ષીય અનુપભાઈ ગોપીનાથ સાળુંકે એસટી ડેપોની બાજુમાં આવેલા મહિન્દ્રા કંપનીના કારના શોરૂમમાં બેક ઓફિસમાં ફરજ બજાવતા હતા. ગઈ કાલે તેમની ઓફિસમાં હિસાબોનું ઓડીટ ચાલતું હોઈ તે કામકાજ માટે મોડે સુધી ઓફિસમાં રોકાયા હતા. રાત્રે આશરે સાડા અગિયાર વાગે તે ઓફિસથી છુટીને તેમની પેશન પ્રો બાઈક પર ઘરે જવા માટે નીકળ્યા હતા. આશરે પોણા બાર વાગ્યાના અરસામાં તે રાજ્યના સૈાથી લાંબા એવા અટલ બ્રિજ પરથી પસાર થતા હતા તે સમયે બ્રિજ પર રેસકોર્સ બેન્કર્સ હોસ્પિટલની સામે આવેલા ડિવાઈડર પર તેમને ભેદી સંજાેગોમાં અકસ્માત નડ્યો હતો.

આ અકસ્માતમાં તે ચાલુ બાઈકે નીચે પટકાતા તેમના માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તે રોડ પર ડિવાઈડર પાસે પટકાયા હતા. આ બનાવની બ્રિજ પરથી પસાર થઈ રહેલા નાગરિકે જાણ કરતા ઘટનાસ્થળે ૧૦૮ એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી જેમાં અનુપભાઈને બેભાનવસ્થામાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. જાેકે હોસ્પિટલમાં તેમને કોઈ સારવાર મળે તે અગાઉ તેમને તબીબોએ મૃત જાહેર કર્યા હતા. આ બનાવની જાણ થતાં ગોત્રી પોલીસ હોસ્પિટલમાં દોડી આવી હતી, જેમાં અનુપભાઈના ખિસ્સામાંથી પાકિટમાં મળેલા કાગળોના આધારે તેમની ઓળખ છતી થતાં આ બનાવની તેમના ઘરે જાણ કરાઈ હતી જેને પગલે તેમના પરિવારજનો હોસ્પિટલમાં ખાતે દોડી આવ્યા હતા અને તેઓએ અનુપભાઈની લાશની ઓળખ છતી કરી હતી.

બીજીતરફ આ બનાવની ગોત્રી પોલીસે અટલ બ્રિજ પર તપાસ શરૂ હતી પરંતું પોલીસને કોઈ વિગતો મળી નહોંતી. ઉલ્લેખનીય છે કે ખુદ ગોત્રી પોલીસે પણ અટલ બ્રિજ પર સીસીટીવી કેમેરા નથી માટે આ બનાવ અંગે અન્ય કોઈ માહિતી નથી તેમ જણાવ્યું હતું જેને પગલે અનુપભાઈનું મોત ખરેખર હીટ એન્ડ રનનો છે ? કે પછી અકસ્માતનો ? તેનું રહસ્ય પણ અટલ રહ્યું છે.

અનુપના પરિવારજનોને હિટ એન્ડ રનની શંકા ઃ તપાસની માગણી કરી

૪૭ વર્ષિય અનુપભાઈના ભાઈ કેયુભાઈ સાળુંંકે સહિતના પરિવારજનો ગોત્રી વિસ્તારના સોમનાથનગરમાં રહે છે. તેમણે આ બનાવ અંગે જણાવ્યું હતું કે - ગત રાત્રે અમને અમારા ભાઈના અકસ્માતની વાયા વાયા જાણ થઈ હતી . અમે અટલ બ્રિજ પર અકસ્માત થયો તે સ્થળે જાેતા મારા ભાઈની બાઈકની પાછળની તરફ તેમજ જમણી તરફની સાઈડલાઈટ સહિતના પાર્ટસને નુકશાન પહોંચ્યું હતું. બાઈકની હાલત જાેતા મારા ભાઈની બાઈકને કદાચ કોઈ વાહનચાલકે પાછળથી ટક્કર મારી અકસ્માત કર્યો હોય તેવું લાગે છે અને આ બનાવ હિટ એન્ડ રનનો હોવાની શંકા છે.

બ્રિજ ૫ર સીસીટીવીની કામગીરી ૧૦ દિવસમાં પૂર્ણ કરવાનો પાલિકાનો દાવો

વડોદરા મ્યુનિ. કોર્પોેરેશન દ્વારા રાજ્યના સૌથી લાંબા અટલ બ્રિજ પર ત્રણ જગ્યાએ સીસીટીવી કેમેરા લગાડવાની કામગીરી અમદાવાદના હિટ એન્ડ રનની ઘટના બાદ હાથ ધરવામાં આવી છે. જેમાં ત્રણ સ્થળે ૧૦ થી ૧ર જેટલા સીસીટીવી કેમેરા લગાડવાની કામગીરી આગામી ૧૦-૧ર દિવસમાં પૂર્ણ થશે તેમ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત કોર્પોેરેશન દ્વારા અટલ બ્રિજની સાથે લાલબાગ બ્રિજ, પ્રતાપનગર બ્રિજ પર પણ સીસીટીવી મૂકવાની કામગીરી હાથ ધરાઈ છે. તબક્કાવાર તમામ બ્રિજ પર સીસીટીવી લગાડવામાં આવશે. જે સ્થળે ડિવાઈડર છે ત્યાં ડિવાઈડર પર નહીં તો બ્રિજની સાઈડમાં પોલ ઊભા કરીને સીસીટીવી લગાડવામાં આવશે તેમ પણ કોર્પોરેશનના સૂત્રોએ કહ્યું હતું.પાલિકા તંત્ર દ્વારા અટલ બ્રિજ પર અત્યાર સુધી બે જેટલાં પોલ સીસીટીવી કેમેરા લગાવવા માટે ઉભા કર્યા છે આ કેમેરા લગાડવા બ્રિજની નીચે ઓપ્ટીકલ કેબલ નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

સીસીટીવીના અભાવે પોલીસે મૃતક અનુપને જ આરોપી બનાવી દીધાં!

અટલ બ્રિજ પર સીસીટીવી કેમેરા લગાવેલા નથી જેથી અનુપભાઈના મોતના ચોક્કસ કારણઅંગે તેમના પરિવારજનો સાથે ખુદ પોલીસ પણ અંધારામાં રહી છે. બીજીતરફ અનુપભાઈના આકસ્મિક નિધનના આધાતમાંથી પરિવારજનો બહાર આવે તે અગાઉ તેઓને ફરી દુઃખદ આંચકો લાગ્યો છે કારણકે ગોત્રી પોલીસે આ બનાવમાં અનુપભાઈના મિત્ર જીતેન્દ્ર દળવીની ફરિયાદના પગલે અનુપભાઈ વિરુદ્ધ બાઈકના સ્ટિઅરિંગ પરથી કાબૂ ગુમાવી દઈ બાઈકને સ્લિપ ખવડાવી દેતા માથામાં અને શરીરમાં ઈજા પહોંચાડી પોતાનું મોત નિપજાવ્યું હોવાની ફરિયાદ નોંધી અનુપભાઈને આરોપી બનાવ્યા છે. જાે સીસીટીવી કેમેરા હોત તો આ બનાવમાં અનુપભાઈ ખરેખરમાં આરોપી છે કે નહીં તેની સ્પષ્ટતા થઈ શકી હોત પરંતું કમનસીબે જીવનભર ક્યારેય પોલીસ મથકનું પગથિયું નહી ચઢેલા અનુપભાઈને તેમના મોત બાદ પોલીસ ચોપડે આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution