રાજપીપળા, તા.૨૬

નર્મદાની પંચકોશી પરિક્રમા દરમિયાન અવ્યવસ્થા સર્જાઈ હતી.જેને કારણે લોકોએ પરિક્રમા કર્યા વિના પરત ફરવાનો વારો આવતા રોષ ફેલાયો છે.પરિક્રમા દરમીયાન અચાનક શ્રધ્ધાળુઓનો ધસારો વધતા પરિક્રમાવાસીઓની સંખ્યા સામે નાવડીઓ ઓછી હોવાથી તિલકવાડાથી સામે પાર જવા માટે લોકોએ કલાકો સુધી તપવાનો વારો આવ્યો હતો.તિલકવાડાથી નદી પાર કરી સામે પાર જવા માટે પુરતી નાવડીઓને અભાવે પરિક્રમાવાસીઓએ પોતાના જીવના જાેખમે ઓછા પાણીમાં ચાલીને નદી પાર કરવાનો વારો આવ્યો હતો, એ નદીમાં મગરોની સંખ્યા વધારે છે ત્યારે નદી પાર કરતા સમયે જાે કોઈ ભક્ત મગરનો શિકાર બને તો એનો જવાબદાર કોણ એ પ્રશ્ન ઊઠી રહ્યો છે.પરિક્રમાના ૨૧ કિમીના રૂટના મુખ્ય પોઇન્ટ પર ફ્રીમાં જમવાનુ, નાસ્તો, પાણી સહિત ટોઇલેટની વ્યવસ્થાઓ તો હતી જ.પરંતુ ભાઠામાં ઈ- ટોઈલેટ ન હોવાને કારણે મહિલાઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ હતી.

પરિક્રમાના રૂટ પર પુરતા પ્રમાણમાં લાઈટોના અભાવે ભકતો પર જંગલી જાનવરોના હુમલાઓની સંભાવનાઓ વધી જાય છે.

એટલે વધુ લાઈટો મુકવા માંગ ઉઠી છે.પરિક્રમા કરવા આવેલા ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને ભક્તોએ અનેક સમસ્યાઓ વિશે માહિતગાર કરતા એમણે આ બાબતે નર્મદા જિલ્લા વહીવટીતંત્રનું ધ્યાન દોર્યું હોવાનું પણ જાણવા મળે છે.હવે પરીક્રમા શરૂ થઈ એ અગાઉ સ્થાનિક આગેવાનોએ નદીના બંનેવ કિનારે લાઈફ જેકેટ સાથેની ૧૦- ૧૦ નાવડીઓ, બેરિકેટ, આરોગ્યની ટીમ, ડસ્ટબીન, અસ્થાયી પોલીસ સ્ટેશન, ૧૦૮ ની સુવિધા, શ્રદ્ધાળુઓના વિશ્રામ માટે મોટો ડોમની વ્યવસ્થા કરવા તંત્રને લેખીત રજુઆત કરી હતી.તો તંત્રએ એ વ્યવસ્થા ન કરતા અવ્યવસ્થા સર્જાઈ હોવાના આક્ષેપો લાગી રહ્યા છે.

આગામી દિવસોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા આવશે ત્યારે આનાથી વધુ કપરી સ્થિતિ પેદા થવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે.