નાસાએ ચાંદ પર પાંચ હોટ સોસ મોકલ્યાં!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, એપ્રીલ 2026  |   2376


નાસાના ચાર સભ્યોની ટીમ હાલમાં આર્ટિમેસ-૨ મિશન કરી રહી છે. ટીમે ૨ એપ્રિલે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટર પરથી ઓરિયન કેપ્સ્યુલમાં બેસીને ઉડાન ભરી હતી. આ મિશનમાં ચાંદની આસપાસ ૧૦ દિવસના પ્રવાસ માટે અંતરિક્ષયાત્રીઓ ૧૮૯ અનોખા ખાદ્ય પદાર્થો લઈને ગયા છે. એમાં ૫૮ ટોર્ટિલા, ૪૩ કપ કોફી અને પાંચ અલગ-અલગ હોટ સોસનો સમાવેશ કરવામાં આવ્યો છે. હોટ સોસ કોઈ અજીબ પસંદગી નથી. આ માત્ર ચટાકેદાર ખાવાની ઇચ્છા માટે પણ નથી. આ એક બાયોલોજિકલ સમસ્યાનું તાત્કાલિક ઉપાય છે, જેને નાસા માનવ અવકાશયાત્રાના ૫૪ વર્ષમાં પણ સંપૂર્ણ રીતે ઉકેલી શક્યું નથી. આ સોસ મેનુમાં કેમ છે તે સમજવા માટે, આપણને માનવ શરીર અને માઇક્રોગ્રેવિટી તેના પર શું અસર કરે છે તે સમજવું પડશે.શરીરને કોઈ કહેતું નથી કે તે પૃથ્વી છોડીને ગયું છે. શરીરને એ ખબર નથી પડતી એ જ સૌથી મોટી સમસ્યા છે. ઝીરો ગ્રેવિટી શરૂ થયા પછીના પહેલા ૬ થી ૧૦ કલાકમાં શરીરના પ્રવાહી જેવા કે લોહી, લિમ્ફ અને કોષો વચ્ચે રહેલું પ્રવાહી ઉપર તરફ ખસવા લાગે છે. પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ આ પ્રવાહીને નીચે રાખે છે, પરંતુ માઇક્રોગ્રેવિટીમાં આ ખેંચાણ ગાયબ થઈ જાય છે અને પ્રવાહી છાતી, ચહેરા અને માથા તરફ ખસે છે. નાક પહેલા અસરગ્રસ્ત થાય છે, પછી સ્વાદ ગાયબ થાય છે. આર્ટિમેસ-૨ના અવકાશયાત્રીઓ માટે આ જ સ્થિતિ દરેક ભોજન સમયે બને છે. ખોરાકની સુગંધ નાક સુધી પહોંચે છે, પણ નાક બંધ હોય છે. જીભ તો કામ કરતી રહે છે, પરંતુ ખોરાકમાં લગભગ કોઈ સ્વાદ લાગતો નથી. આર્ટિમેસ-૨ના મેન્યુમાં પાંચ હોટ સોસ જે છે એ સૌથી પ્રામાણિક પસંદગી છે. આ સોસ એ વસ્તુનો સ્વીકાર છે કે ભોજન ખાવામાં ભોજન જેવું નથી લાગતું, શરીર એને ખાવાનું બંધ કરી દે છે અને એ સમયે આ સોસ કામ આવે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution