મૂળ આદિવાસી જમીનમાલિકો હવે રૂા.૨૮૦માં રોજમદાર!ઃ ચૈતર વસાવા
05, એપ્રીલ 2023

લોકસત્તા જનસત્તા વિશેષ,તા.૪

દેશના મહત્વના પ્રવાસન સ્થળ તરીકે વિકસી કરોડોની આવક રળતા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટિ’ અને તેની આસપાસની સમગ્ર વિસ્તારની જમીનો ૫ર સરકાર અને સ્થાનિક રાજકારણીઓની રહેમ નજર અને ભાગીદારીથી ઉભી થયેલી વૈભવી હોટલો-રિસોટ્‌ર્સ અને અન્ય અનુસાંગિક વ્યાપાર-ધંધાઓમાંથી સ્થાપિતો લાખો કરોડો રૂપિયા રળી રહ્યા છે. જ્યારે એ જ જમીનના મૂળ માલિકો એવા આદિવાસીઓ આજે પોતાના જ હક્કની જમીનો પર ઉભા થયેલા આવા વ્યાપાર ધંધાના સ્થળે માત્ર રૂા.૨૮૦ પ્રતિદિનના દરે રોજમદારી પર મજુરી કરી રહ્યા છે.

વિકાસ અને આદિવાસીઓના ઉત્થાનની ડંફાસ હાંકતી ભાજપા સરકાર પર તેજાેબી પ્રહારો કરતા ડેડીયાપાડાથી ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના લડાયક અને નિર્ભિક ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાના શોષિત આદિવાસી ભાઈ-ભાંડુઓના છુપા રોષને આક્રોશ પૂર્ણ રીતે વ્યક્ત કરતા ઉપરોક્ત વિચાર માંડ્યા હતા.

લોકસત્તા જનસત્તા સાથેની ર્દિધ રૂબરૂ મુલાકાત દરમ્યાન ચૈતર વસાવાએ જણાવ્યું કે આદિવાસીઓને અહીં ઉભા થનારા સંભિવત વ્યાપાર-ધંધાને આનુંષાંગિક ટ્રેનિંગ આપતી સંસ્થા ખોલી તેમને પગભર કરાશે એમ વડાપ્રધાન ખુદ નરેન્દ્ર મોદીએ અહીં સરદાર સ્ટેચ્યુના લોકાર્પણ દરમ્યાન મોટા મોટા અવાજે ડંફાસો હાંકી હતી. આજે એમાનું કાઈ જ થયું નથી અને હવે અહીંના આદિવાસીઓ અહીં જરૂરી એવા કામકાજની જાણકારી નહીં ધરાવતા હોવાનું બહાનું આગળ કરી તેમની પાસે હોટલોમાં ચાદરો બદલવાનું, વાસણો ધોવડાવવાના કામો કરાવાય છે અને માત્ર રૂા.૨૮૦ ની રોજમદારી પર રાખી તેમનું શોષણ કરાઈ રહ્યું છે.

ચૈતર વસાવાએ જણાવ્યું કે હાલ હું અહીં ચાલતા તમામ વ્યાપાર - ધંધાના સ્થળે કામ કરતા મારા આદિવાસી ભાઈ-ભાંડુઓને સંગઠીત કરી તેમને થતા અન્યાય અને શોષણ સામે અવાજ ઉઠાવવા એકત્રિત કરવામાં સક્રિય છું અને આગામી સમયમાં દેશ અને વિદેશી સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે સરકારે સ્થાનિક આદાવાસીઓ સાથે કરેલી છેતરપીંડીનું સાચું ચિત્ર સપાટી પર લાવવા મક્કમ છું એવો સુર ચૈતર વસાવાએ વ્યક્ત કર્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution