લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, ફેબ્રુઆરી 2026 |
2871
નવી દિલ્હી, ભારતના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) સૂર્યકાંતના સખત વાંધા બાદ રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (એનસીઈઆરટી)ના ધોરણ ૮ના પુસ્તકમાં સામેલ જ્યુડિશિયલ કરપ્શન પ્રકરણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છેકે, દુનિયામાં કોઈને પણ ન્યાયતંત્રને બદનામ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. એનસીઈઆરટીના સૂત્રોએ પુષ્ટિ કરી છેકે, આ વિવાદાસ્પદ પ્રકરણવાળા પુસ્તકોનું વેચાણ અટકાવી દેવામાં આવ્યું છે.
વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે જ્યારે આ મુદ્દો ઉઠાવ્યો, ત્યારે સીજેઆઈ સૂર્યકાંત, જસ્ટિસ વિપુલ એમ. પંચોલી અને જસ્ટિસ જાેયમાલ્યા બાગચીની બેન્ચે તેની ગંભીર નોંધ લીધી હતી. સીજેઆઈ સૂર્યકાંત પ્રતિભાગ આવતા જણાવ્યું હતું કે, આ સમગ્ર ન્યાયિક સંસ્થા માટે ચિંતાનો વિષય છે. આ એક સમજી-વિચારીને લેવાયેલું પગલું લાગે છે. ભલે ગમે તેટલા ઉચ્ચ હોદ્દા પર હોય, સંસ્થાને બદનામ કરનાર સામે હું વ્યક્તિગત રીતે આ કેસની તપાસ કરીશ. બીજી તરફ સીજેઆઈના સાથી ન્યાયાધીશ જસ્ટિસ બાગચીએ અવલોકન કર્યું હતું કે, આ પુસ્તકની વિગતો બંધારણના બેસિક સ્ટ્રક્ચર વિરુદ્ધ લાગે છે.
સમગ્ર બાબતે એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે, આમાં આટલી સિલેક્ટિવિટી કેમ? બ્યૂરોક્રેસી કે પોલિટિક્સમાં ભ્રષ્ટાચાર વિશે એક શબ્દ પણ નથી, માત્ર ન્યાયતંત્રને જ નિશાન બનાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ વિવાદ એનસીઈઆરટીના નવા સેક્શનમાં ન્યાયતંત્ર સામેના પડકારોને નકારાત્મક રીતે રજૂ કરવામાં આવ્યા બાદ ઉભો થયો હતો. એનસીઈઆરટી દ્વારા પુસ્તકમાં કોર્ટના માળખાને સમજાવવાને બદલે ભ્રષ્ટાચાર અને કેસના બેકલોગને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. તેમજ પુસ્તકમાં ઉલ્લેખ હતો કે, સેન્ટ્રલ પબ્લિક ગ્રીવન્સ રિડ્રેસ એન્ડ મોનીટરીંગ સીસ્ટમ (સીપીજીઆરએએમએસ) દ્વારા ૨૦૧૭થી ૨૦૨૧ વચ્ચે ન્યાયતંત્ર સામે ૧,૬૦૦થી વધુ ફરિયાદો મળી હતી. તે ઉપરાંત પ્રકરણમાં લખાયું હતું કે, ન્યાયતંત્રના વિવિધ સ્તરે ભ્રષ્ટાચારને કારણે ગરીબો અને જરૂરિયાતમંદો માટે ન્યાય મેળવવો મુશ્કેલ બને છે. એટલું જ નહીં પુસ્તકમાં ન્યાયાધીશોને હટાવવાની મહાભિયોગ પ્રક્રિયા અને પૂર્વ સીજેઆઈ બી. આર. ગવઈના જુલાઈ ૨૦૨૫ના નિવેદનનો પણ ઉલ્લેખ હતો, જેમાં તેમણે ભ્રષ્ટાચારની પબ્લિક ટ્રસ્ટ પર થતી ખરાબ અસર અંગે વાત કરી હતી.
સરકારી સૂત્રોએ પણ આ બાબતે સંમતિ દર્શાવતા કહ્યું હતું કે, બાળકોના પુસ્તકોમાં પ્રેરણાદાયી વિષયો હોવા જાેઈએ, આવા નકારાત્મક પાસાઓને પ્રકાશિત કરવા અયોગ્ય છે. સીએજઆઈએ જણાવ્યું હતું કે, આ પુસ્તકને કારણે દેશભરની હાઈકોર્ટના જજ અને બેન્ચ-બારના તમામ સ્ટેકહોલ્ડર્સ પરેશાન છે. કાયદો પોતાનું કામ કરશે અને થોડા દિવસોમાં આ મામલે અંતિમ ર્નિણય લેવાશે.
થોડા દિવસ રાહ જૂઓ, બધા જ પરેશાન છે : સીજેઆઈ
સીજેઆઈ સૂર્યકાંતે જણાવ્યું હતું કે, પ્લીઝ થોડા દિવસો રાહ જૂઓ, બાર અને બેન્ચ બધા પરેશાન છે. સિસ્ટમના દરેક સ્ટેકહોલ્ડર પરેશાન છે, મને અનેક કોલ અને મેસજ આવી રહ્યા છે. બધા જ હાઈકોર્ટના જજ પરેશાન છે. હું આ કેસને જાતે જ જાેઈશ. કાયદો પોતાનું કામ કરશે.